પંચમહાલ ડેરી ચૂંટણીઃ તમામ 18 ઉમેદવારો બિનહરીફ જાહેર, જેઠા ભરવાડ ફરી બનશે ચેરમેન?
Panchmahal Dairy Election: પંચમહાલ ડેરીની ચૂંટણી યોજાય તે પહેલા જ તમામ 18 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. નોંધનીય છે કે, 20 સપ્ટેમ્બરે પંચમહાલ ડેરીની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ, તેના 10 દિવસ પહેલાં જ તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચુકી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં મોટી કાર્યવાહી, ભાડે આપેલા 25 સરકારી આવાસ સીલ, મૂળ લાભાર્થી નહોતા રહેતા
તમામ બેઠકો બિનહરીફ
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (પંચમહાલ ડેરી)ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આગામી 20 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. જેમાં 18 બેઠકો પર કુલ 31 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે, બાદમાં ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે પેનલના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
જેઠા ભરવાડ ફરી બનશે ચેરમેન?
ડેરીના વર્તમાન ચેરમેન જેઠાભાઈ ભરવાડ ફરીથી ચેરમેન બનવાની પૂરી શક્યતા છે. તેઓ 2009 થી પંચમહાલ ડેરીના દુરંદેશી નેતૃત્વ હેઠળ સતત દબદબો જાળવી રહ્યા છે અને હવે 2025 સુધી તેમનું પ્રભુત્વ યથાવત રહેશે તેવી ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ સરકારી આવાસના રહિશોએ ઉગ્ર રજુઆત કરી
આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સભ્યોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં ભાગ લીધો હતો. બિનહરીફ જાહેર થયેલી આ ચૂંટણીથી પંચમહાલ ડેરીમાં હાલની પેનલનું વલણ અને લોકપ્રિયતા સ્પષ્ટ થાય છે.