સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ સરકારી આવાસના રહિશોએ ઉગ્ર રજુઆત કરી
મનપા તંત્ર દ્વારા પાણી, રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી ન પાડતા રોષ
અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ ન આવતા રહિશોને હાલાકી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર મન૫ા કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ રાજીવ આવાસ યોજનાના રહિશોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા ઉગ્ર રજુઆતો કરી હતી અને આગામી દિવસોમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મનપા કચેરીના વોર્ડ નં.૧માં ફિરદોષ સોસાયટીમાં આવેલ ચાર માળીયા રાજીવ આવાસ યોજનામાં અનેક ગરીબ પરિવારો વસવાટ કરે છે પરંતુ મનપા તંત્ર દ્વારા અહિં રહેતા ગરીબ રહિશોને પ્રાથમિક સવિધાઓ પુરી પાડવામાં આવતી નથી જેના કારણે પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે તંત્ર દ્વારા પુરતું અને નિયમીત પીવા તેમજ વાપરવા માટે પણ પાણી આપવામાં આવતું નથી જે મામલે અનેક વખત તંત્રને મૌખીક તેમજ લેખીત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી તાજેતરમાં મનપા તંત્ર દ્વારા છેલ્લા ૬ દિવસથી પાણી વિતરણ કરવામાં આવ્યું નથી જેના કારણે રહિશો મુશ્કેલી ભોગવી રહ્યાં છે. આ ઉપરાંત રોડ, રસ્તા, ગટર, પીવાનું પાણી, સફાઈ, લાઈટ સહિતની સુવિધાનો પણ અભાવ છે ત્યારે આ તમામ સમસ્યાઓને ધ્યાને લઈ સરકારી આવાસના રહિશોએ મનપા કચેરી ખાતે ઉગ્ર રજુઆતો કરી હતી અને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલની ચીમકી પણ ઉચ્ચારી હતી આ તકે મોટીસંખ્યામાં રહિશો ઉપસ્થિત રહ્યાં હતાં.