અમદાવાદમાં મોટી કાર્યવાહી, ભાડે આપેલા 25 સરકારી આવાસ સીલ, મૂળ લાભાર્થી નહોતા રહેતા
Ahmedabad News : અમદાવાદમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ વિસ્તારમાં આવાસો બનાવી લાભાર્થીઓને ફાળવણી કરાઈ હતી. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સાત ઝોનમાં 5590 આવાસમાં તપાસ કરાઈ હતી. આ પૈકી ભાડે અપાયેલા 25 આવાસ સીલ કરાયા છે. 321 આવાસ ધારકોને તેમને ફાળવવામાં આવેલા આવાસ રદ કેમ ન કરવા એ મુદ્દે શૉ કોઝ અપાઈ છે.
શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવાયેલા આવાસ મેળવવા જયાં લોકો મોટી સંખ્યામાં અરજી કરે છે. આમ છતાં તેમનો એક અથવા બીજા કારણસર ડ્રોમાં નંબર લાગતો નથી.
બીજી તરફ એક વખત આવાસની ફાળવણી થયા પછી મૂળ લાભાર્થીઓ તેમને ફળવાયેલા આવાસ અન્ય લોકોને ભાડેથી આપતા હોવાની વ્યાપક ફરિયાદ પછી તમામ ઝોનમાં આવેલા આવાસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તપાસ હાથ ધરવામા આવી હતી.
હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલના કહેવા મુજબ, આવાસની ફાળવણી રદ કરતા અગાઉ સુનાવણીની પ્રક્રીયા કરવી પડતી હોય છે.જે અંતર્ગત 33 આવાસ ધારકોની સુનાવણી પ્રક્રીયા હાથ ધરાઈ હતી. આ પૈકી 14 કિસ્સામા અંતિમ નોટિસ આપવા હુકમ કરાયો છે.