Gujarat

પંચમહાલના ઘોઘંબામાં ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી

By GS TEAM
23 Mar 20262 mins read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાં થવા જઈ રહેલા બાળ લગ્નને અટકાવવામાં ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098ની ટીમને મોટી સફળતા મળી છે. સમયસર મળેલી બાતમી અને ટીમની ત્વરિત કાર્યવાહીને પગલે એક સગીરાનું જીવન અંધકારમય બનતા અટકી ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલના ઘોઘંબામાં ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી

Panchmahal Ghoghamba Child Marriage: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાં થવા જઈ રહેલા બાળ લગ્નને અટકાવવામાં ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098ની ટીમને મોટી સફળતા મળી છે. સમયસર મળેલી બાતમી અને ટીમની ત્વરિત કાર્યવાહીને પગલે એક સગીરાનું જીવન અંધકારમય બનતા અટકી ગયું છે.

1098 ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબરમાં કોલ આવતા ટીમ એક્શનમાં

મળતી માહિતી અનુસાર, ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર 1098 પર એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે ઘોઘંબા પાસેના એક ગામમાં બાળ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આ માહિતી મળતાની સાથે જ ચાઈલ્ડ હેલ્પ લાઈન પંચમહાલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે ટીમે લગ્ન કરનાર બાળકીના ઉંમરના પ્રમાણપત્રોની તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી. કાયદેસર રીતે લગ્ન માટે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ, પરંતુ આ કિસ્સામાં બાળકીની ઉંમર માત્ર 16 વર્ષ જ હતી. આથી, આ લગ્ન સીધા 'બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ' હેઠળ ગુનો બનતા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર

કાયદાકીય સમજ અને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન

ચાઈલ્ડ હેલ્પ લાઈનની ટીમે સગીરાના પરિવારજનોને સમજાવ્યું હતું કે, ઓછી ઉંમરે લગ્ન કરવા એ કાયદાકીય રીતે મોટો ગુનો છે. સગીર વયે લગ્ન કરવાથી દીકરીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડે છે. આ ઉંમર રમવાની અને ભણવાની છે, લગ્નની નહીં. દીકરીને ભણવાની તક આપવી જોઈએ જેથી તેનું ભવિષ્ય ઉજ્જવળ બને.

ટીમના અસરકારક માર્ગદર્શન અને કાયદાની સમજ બાદ પરિવારજનોને પોતાની ભૂલ સમજાઈ હતી. પરિવારે સ્વૈચ્છિક રીતે લગ્ન મોકૂફ રાખવાની ખાતરી આપી હતી અને દીકરી પુખ્ત વયની થાય ત્યારે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આમ, ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમની સતર્કતાથી એક બાળ લગ્ન અટકાવી શકાયા હતા.