ભારે પવનના કારણે પંચમહાલમાં 25 વીજપોલ ધરાશાયી, જુઓ ક્યાં કેવી સ્થિતિ
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે રાજ્યભરમાં વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. આ સિવાય વાવાઝોડા સાથે વરસાદના કારણે રાજ્યમાં અનેક જગ્યાએથી માલહાનિના સમાચાર પણ સામે આવ્યા હતાં. રાજ્યના પંચમહલાના શહેરામાં સોમવારે ભારે વાવાઝોડાના કારણે 25થી વધારે વીજપોલ ધરાશાઈ થયા હોવાની માહિતી સામે આવી છે.
25 વીજપોલ ધરાશાઈ
સોમવારે રાજ્યભરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આ દરમિયાન જિલ્લામાં 25થી વધારે વીજપોલ ધરાશાઈ થઈ ગયા હતાં. શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના કારણે અનેક ઝાડ પણ ધરાશાઈ થયા હતાં અને અનેક ઘરોના પતરાના શેડ પર ઊડી ગયા હતાં. જોકે, આ વીજપોલ, પડવાના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
આ પણ વાંચોઃ વડોદરામાં વાવાઝોડાને લીધે કમાટીબાગના પ્રાણીસંગ્રહાલયમાં 12 વૃક્ષો પડી ગયા
આંબાની કેરીઓ ખરી પડી, અનેક પાકને નુકસાન
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક મકાનમાં વીજળી પડવાના કારણે મકાનના ખૂણાની દિવાલનો ભાગ તૂટી ગયો હોવાનું સામે આવ્યું હતું. ખેડા જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડું જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ખેડાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડયો હતો. જ્યારે પવનની ગતિ તેજ હોવાના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ સાથે ખેડૂતોના આંબા પરથી કેરીઓ ખરી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. માવઠાને પગલે મગ, ચોળી, બાજરો, ઘાસચારો તેમજ બાગાયતી પાકમાં કેરી, પપૈયાને નુકસાન થવાની સંભાવના છે.
આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવવ ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
આગામી 3 દિવસ માટે ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
- 6 મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
- 7 મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
- 8 મેઃ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ