ગુજરાત સરકારે ખૂબ વખાણેલો રૂ.98 કરોડનો બ્રિજ 12 મહિનામાં બીજી વખત ડેમેજ, વાહન-વ્યવહાર બંધ
Palanpur Over bridge Damage: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના તમામ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. પાલનપુર RTO સર્કલ પરનો બ્રિજ વધુ એકવાર ક્ષતિગ્રસ્ત થયો છે. આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાના કારણે તેને સાઇડથી બંધ કરી દેવાની ફરજ પડી હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, પાલનપુર RTO સર્કલ પરનો ઓવરબ્રિજ વધુ એકવાર ક્ષતિગ્રસ્ત થયો હોવાની માહિતી સામે આવી છે. ક્ષતિગ્રસ્ત થવાના કારણે ઓવરબ્રિજ એકસાઇડથી બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે, સમારકામ બાદ ફરીથી બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં કામગીરી પર સવાલો ઉઠ્યા છે અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવી રહ્યા છે.
12 મહિનામાં બેથી ત્રણ વાર બંધ કરાયો બ્રિજ
નોંધનીય છે કે, આ પહેલાં પણ આ જ બ્રિજની ગડર નીચે પડતાં બે લોકોના મોત થયા. તંત્ર અને સરકાર ગુજરાતનો પ્રથમ એલિવેટેડ ગ્રૂપનો ગર્વ લઈ રહી હતી. પરંતુ, હવે આ જ બ્રિજ સરકાર અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે, 12 મહિનામાં બેથી ત્રણ વાર આ બ્રિજ બંધ કરવો પડ્યો છે. જેના કારણે બ્રિજની ગુણવત્તા અને કામગીરીને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ફરી એકવાર આ બ્રિજ પરથી પ્લાસ્ટર ખરી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
હાલ, આ બ્રિજ પરથી મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને આ મુદ્દે કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે વિશે તપાસની માંગ કરવામાં આવી રહી છે.