ભાજપ MLA રમણ વોરા કૃષિ પંચ સમક્ષ ગેરહાજર રહ્યા, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનવાનો છે આરોપ
Fake Farmer Claim: ખોટા ખેડૂત ખાતેદાર બની ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ મત વિસ્તાર ઈડર નજીક દાવડ ખાતે ખેતીની જમીનો ખરીદી છે. આ મામલે ઈડર મામલતદારે નોટિસ ફટકારી પુરાવા રજૂ કરવા આદેશ કર્યો હતો, પરંતુ રમણ વોરા અને તેમના પુત્રો ઉપરાંત અન્ય પક્ષકારો કૃષિ પંચ સમક્ષ હાજર રહ્યા ન હતાં.
ભાજપ નેતા બરોબરના ભરાઈ પડ્યાં
ધારાસભ્ય રમણ વોરા ભળતા નામે ખેડૂત ખાતેદાર બની બેઠાં છે. આ ખોટા ખેડૂત ખાતેદારના દાખલા આધારે ગાંધીનગરમાં પાલેજમાં ખેતીની કરોડોમાં જમીનો ખરીદી છે. આ ઉપરાંત ઈડરમાં પણ દાવજ ગામમાં ખેતીની જમીનો ખરીદી છે. આ મામલે અરજદાર રાજેન્દ્ર પટેલે ફરિયાદ કરતાં રમણ વોરા બરોબરના ભરાઈ પડ્યાં છે.
આ પણ વાંચો: અમદાવાદમાં અપહરણ-ખંડણી કેસના આરોપીએ PIની રિવોલ્વર છીનવી કર્યું ફાયરિંગ
ઈડર મામલતદાર કચેરીમાં ખેડૂતના પુરાવા સાથે હાજર રહેવા ફરમાન
ઈડર મામતલદારે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીનના સુધારા અધિનિયમ 63 (ક)(ઘ) મુજબ નોટિસ ફટકારી ધારાસભ્ય રમણ વોરા સહિત તેમના પુત્રો અને અન્ય પક્ષકારોને ગુરૂવારે (11મી સપ્ટેમ્બર) પુરાવા સાથે મામતલદાર કચેરીએ હાજર રહેવા આદેશ કર્યો હતો. જેથી મામલતદાર કચેરીએ ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો. આખરે કૃષિપંચ સમક્ષ ધારાસભ્ય સહિત તેમના પરિવારજનો ગેરહાજર રહ્યાં હતાં. મામલતદારે આ પ્રકરણમાં આગામી 28મી ઓક્ટોબરે હાજર રહેવા વધુ એક મુદત આપી છે. જો કે, આખરી મુદતમાં હાજર નહીં રહે તો ધારાસભ્ય રમણ વોરા સામે કાર્યવાહી કરાશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના જ પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ જ ગાંધીનગર કલેક્ટરથી માંડીને ઈન્કમટેક્સ વિભાગમાં અરજી કરી સમગ્ર પ્રકરણની તપાસ કરવા માંગ કરી છે.