Ahmedabad Plane Crash: પુત્રવધુના શ્રીમંત પ્રસંગમાં જવાની ખુશી દુઃખમાં ફેરવાઇ, પાલનપુરના દંપતીનું મોત
Ahmedabad Plan Crash : અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ગોઝારી ઘટનામાં અનેક નિર્દોષ જીંદગીઓના મોત નીપજ્યા છે. આ પ્લેનમાં પાલનપુરનું એક દંપતી પણ સવાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં લંડન ખાતે રહેતા પુત્રને ત્યાં તેની પત્નીનો શ્રીમંતનો પ્રસંગ હોવાથી આ દંપતી પાલનપુરથી વહેલી સવારે અમદાવાદ જવા નીકળ્યા હતા અને પ્લેન ક્રેશ થયા બાદ તેમનો સંપર્ક તુટી જતા તેમના પાડોશીઓ ચિંતિત બન્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન બે બિલ્ડિંગ સાથે અથડાયું, ત્રણ ટુકડા થયા, કાટમાળ 400 મીટર સુધી ઉછળ્યો
એરપોર્ટ પરથી ટેકઓફ થયેલા પ્લેન ક્રેશ થયા બાદ બંનેનો સંપર્ક તૂટતા પાડોશીઓ ચિંતિત હતા
પાલનપુરમાં લક્ષ્મણ ટેકરી વિસ્તારમા છેલ્લા 40 વર્ષથી રહેતા અને એલઆઇસી તેમજ પોસ્ટનું કામકાજ કરતા રમેશભાઈ ઠક્કર અને તેમના પત્ની લાભુબેન ઠક્કરનો પુત્ર તેની પત્ની સાથે લંડન રહેતો હોવાથી અને તેમની પુત્રવધૂનો લંડનમાં શ્રીમંતનો પ્રસંગ હોવાથી આ દંપતી લંડન જવા માટે ગુરુવારે સવારે અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દંપતીની ટિકિટ એઆઇ 171 ઇન્ડીયન એરલાઇન્સની હતી.
જોકે આ વિમાન ઉડાન ભર્યા બાદ અચાનક તૂટી પડતા વિસ્ફોટ થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અનેક મુસાફરોમાં મોત નીપજ્યા હતા. જોકે આ પ્લેન ક્રેશ થયા બાદ લંડન જવા નીકળેલ આ દંપતીનો સંપર્ક ન થયા તેમજ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર મુસાફરોની યાદીમાં આ દંપતીના નામ સામેલ હોય તેમના પાડોશીઓ ચિંતિત બન્યા છે.
પાલનપુરના દંપતી સાથે તેમના વેવાઈ અને વેવાણ લંડન જવાના હતા
અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનમાં લંડન જવા નિકળેલા પાલનપુરના રમેશભાઈ ઠક્કર અને લાભુબેન ઠક્કર સાથે વેરાવળ ખાતે રહેતા તેમના વેવાઇ અને વેવાણ પણ તેમની દીકરીના શ્રીમંતમાં હાજરી આપવા માટે આ પ્લેનમાં તેમની સાથે લંડન જવાના હતા તેવું તેમના પાડોશી ચેતનાબેન રાવલે જણાવ્યું હતું.
ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશ સવદાનભાઇ ચૌધરીના ગત વર્ષે ધાપુ બહેન સાથે લગ્ન થયા હતા. તેઓ લંડનમાં વ્યવસાય કરી રહ્યા હતા. પત્નીને લંડન સાથે લઇ જવા માટે વતનમાં આવ્યા હતા. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં પતિ અને પત્નીના મોત નિપજ્યું હતું.