‘હવે આત્માને શાંતિ મળશે...’ 'ઓપરેશન સિંદૂર' બાદ પતિ ગુમાવનારી સુરત-ભાવનગરની પીડિતા
Pahalgam Victims Reaction After Operation Sindoor: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 એપ્રિલના દિવસે થયેલા આતંકવાદી હુમલા બાદ મંગળવારે રાત્રે સીમા પાર ભારતીય સેના દ્વારા આતંકવાદી કેમ્પ પર હુમલો કરી તેનો ખાત્મો બોલાવાયો છે. ત્યારે સુરત અને ભાવનગરમાંથી આતંકવાદનો ભોગ બનનાર પીડિતોની પ્રતિક્રિયા સામે આવી છે. જે લોકોએ પોતાના પતિ અને દીકરાને ગુમાવ્યા છે, તેમણે સરકારના આ એક્શન બાદ ન્યાય માટે આભાર માન્યો છે અને ભોગ બનનાર પરિવાર માટે સહાયની માંગણી કરી છે. આ સિવાય ભારતીય સેના અને વડાપ્રધાન મોદીને આતંકવાદીઓનું નામો-નિશાન મિટાવી દેવાની પણ માંગ કરી સેનાનો આભાર માન્યો છે.
‘હવે મારા પતિની આત્માને શાંતિ મળશે’
પહલગામ આતંકવાદી હુમલાનો ભોગ બનનાર સુરતના શૈલેશ કથળિયાની પત્નીએ કહ્યું કે, ‘હવે મારા પતિના આત્માને શાંતિ મળશે. મને મારી સરકાર પર પૂરો ભરોસો છે. આજે ખબર પડી છે કે, આતંકવાદીઓને શોધી શોધીને તેમના અડ્ડાઓ પર જઈને માર્યા છે આ સાંભળીને મારા પતિના આત્માને આજે શાંતિ મળી હશે. તેમની સાથે જે અન્ય લોકોના જીવ ગયા છે તેમને પણ શાંતિ મળી હશે. આ સાથે હું સરકારને અપીલ કરું છું કે, જે રીતે મહારાષ્ટ્ર સરકારે ભોગ બનનાર પરિવારને સહાય કરી છે તે રીતે ગુજરાત સરકાર પણ પીડિતોને સહાય કરે જેનાથી અમારા બાળકોને ન્યાય મળે.’
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત
પતિના મોત પર મંત્રીઓ સામે વ્યક્ત કર્યો આક્રોશ
નોંધનીય છે કે, સુરતના શૈલેષ કથળિયા તેમના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે આતંકવાદી હુમલામાં શૈલેષભાઈએ પણ જીવ ગુમાવ્યો હતો. તેમના મૃતદેહને સુરત લાવવામા આવ્યો ત્યારે તેમના પત્ની શીતલ કથળિયાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેમણે આશ્વાસન આપવા આવેલા કેન્દ્રીય અને રાજ્ય સકારના મંત્રી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આતંકી હુમલો થયો હતો ત્યારે સરકાર અને સૈન્ય શું કરતી હતી તેવા અણિયાળા પ્રશ્નો પૂછ્યા હતા.
‘મોદીજી મારા માટે ભગવાન છે...’
આ સિવાય ભાવનગરની પીડિતા જેણે પહલગામ હુમલામાં પોતાના પતિ અને દીકરાને ગુમાવ્યા છે, તેમની પણ ઓપરેશન સિંદૂર બાદ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ‘જે દુઃખ મારા માથે પડ્યું છે તેવું ભારત દેશની મારી કોઈ માતા-દીકરીના માથે ન પડે તેવી પ્રાર્થના કરું છું. મોદીજી મારા માટે ભગવાન છે. ભારતીય સેનાએ અમને જે સાથ-સહકાર આપ્યો તેની હું જિંદગીભર આભારી છું. સેનાના આ હુમલાથી મને ખૂબ શાંતિ થઈ છે. હું તો એવું ઇચ્છું છું કે, આ લોકોનું નામો-નિશાન મિટાવી દો. મને મારી ભારતીય સેના માટે ખૂબ-ખૂબ ગર્વ છે. હું મોદી સાહેબની ખૂબ આભારી છું.’
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર બાદ જામનગરના જામસાહેબે PM મોદીને લખ્યો પત્ર, ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવી
દીકરો-પતિ ગુમાવનાર પીડિતાનું દુઃખ છલકાયું
પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા યતિશ પરમારની પત્ની અને સ્મિત પરમારની માતાએ આતંકી હુમલા દરમિયાન બનેલી ઘટના જણાવતાં કહ્યું કે, ‘અમે મોરારી બાપુની કથા બાદ 12 જેટલા લોકો પહલગામ ગયા હતા, જોકે અમારું મન નહતું તો પણ ઘોડાવાળાએ અમને કહ્યું તો 12 જેટલા લોકો અમે ઉપર પહોંચ્યા. જેવા અમે ત્યાં ઉપર પહોંચ્યા કે, પાંચ જ મિનિટમાં ત્યાં ફાયરિંગ થયું. અમે જોવા રહ્યા ત્યાં અમારા કાકાએ અમને ભાગી જવાનું કીધું. અમે ભાગી રહ્યા હતા, ત્યાં અચાનક મારા દીકરા અને પતિને જમીન પર સૂઈ જવાનું કહેવામાં આવતાં તે સૂઈ ગયા. હું પાછું ફરીને જોઉ ત્યાં સુધીમાં તેમને ગોળી મારી દેવામાં આવી હતી. હું મારા દીકરાને લેવા ગઈ ત્યારે મારો પતિ અને દીકરો લોહી-લુહાણ હતા. પરંતુ, હવે હું એટલું જ કહેવા માંગુ છું કે, જે દુઃખ મારા માથે પડ્યું છે તેવું ભારત દેશી મારી કોઈ માતા-દીકરીના માથે ન પડે તેવી પ્રાર્થના કરું છું.’