ઓપરેશન સિંદૂર બાદ જામનગરના જામસાહેબે PM મોદીને લખ્યો પત્ર, ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવી
Operation Sindoor : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે પાકિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને PoJKમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી સચોટ હુમલા કરાયા. બુધવારે સવારે થયેલા આ ઓપરેશન માટે જામનગરના જામસાહેબે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખી શુભેચ્છા પાઠવી છે.
પત્ર લખી પાઠવી શુભેચ્છા
તેમણે પત્રમાં લખ્યું કે 'પરમ આદરણીય નરેન્દ્રભાઇ દુનિયાના તમામ સાચા જાડેજાઓ તરફથી હું તમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું કે તમે દુનિયાને અને પોતાને બતાવી દીધું કે આપણે હકિકતમાં એક મહાન રાષ્ટ્ર છે. તમારા નેતૃત્વમાં બહાદુરોએ પોતાની બહાદુરી અને બુદ્ધિમત્તા, અદભૂત ઉપકરણો અને જબરદસ્ત ટ્રેનિંગ સાથે દુનિયાને ભારતીય લોકોની બેજોડ ક્ષમતા અને ભાવનાનું પ્રદર્શન કર્યું છે. ભારતીય સશસ્ત્ર દળોએ સરસ કામ કર્યું અને માનનીય વડાપ્રધાનનો આભાર. માતાજી તમને ઐતિહાસિક મહત્ત્વનીએ વધુ મોટી સિદ્ધિઓ માટે આશીર્વાદ આપે.
ઓપરેશન સિંદૂર શું છે?
પહેલગામ હુમલા દરમિયાન આતંકવાદીઓએ નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા. કાશ્મીર ફરવા ગયેલા પરિણીત કપલોને પકડીને તેમની પતિઓને સામે ગોળી મારી દેવામાં આવી હતી. તેમના સુહાગ અને તેમના સિંદૂરને તેમની નજર સામે જ ભૂંસી નાખવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્યના પ્રતીક તરીકે સિંદૂર લગાવે છે. આતંકવાદીઓને તેમના આકાઓ તરફથી સ્પષ્ટ સૂચનાઓ મળી હતી કે ફક્ત સિંદૂર ભૂંસી નાખો, એટલે કે હિન્દુઓને નિશાન બનાવો. એટલે જ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે શરૂ કરાયેલા ઓપરેશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું.
પાકિસ્તાનનું LoC પર આડેધડ ફાયરિંગ
ભારતે પાકિસ્તાનને પહલગામ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેના 9 આતંકી ઠેકાણાઓ સામે જોરદાર કાર્યવાહી કરતાં મોડી રાતે હવાઈ હુમલા કરી કહેર વરસાવ્યો હતો. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન અકળાયું હતું અને એલઓસી પર અવળચંડાઇ કરતાં આડેધડ ફાયરિંગ કર્યું હતું જેમાં તોપ અને મોર્ટાર મારો કરી ગોળીબાર કર્યું હતું. આ પાકિસ્તાની હુમલામાં એક મહિલા અને બે બાળક સહિત કુલ 7 ભારતીય નાગરિકો મૃત્યુ પામી ગયા છે જ્યારે 38 થી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.