Get The App

સાબરકાંઠા-રાજકોટ બાદ ગુજરાતની વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ, કોંગ્રેસમાં પણ અસંતોષ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
સાબરકાંઠા-રાજકોટ બાદ ગુજરાતની વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ, કોંગ્રેસમાં પણ અસંતોષ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ થાય એ પહેલા વિરોધનો વંટોળ ફૂંકાયો છે. સાબરકાંઠા અને વડોદરામાં ભાજપે નવા ઉમેદવાર જાહેર કરવા ફરજ પડી પછી પણ સંગઠન, સ્થાનિક નેતાગીરી અને જૂના કાર્યકરોનો વિરોધ ચાલુ જ છે. આ સિવાય રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનની આગ પણ ઠરી રહી નથી.

ભાજપની જેમ કોંગ્રેસમાં પણ અસંતોષ

રંજનબેન ભટ્ટના સ્થાને વડોદરાના ઉમેદવાર જાહેર થયેલા ડૉ. હેમાંગ જોશીને ત્રણ દિવસ પ્રચાર નહીં કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે તો સાબરકાંઠામાં શોભના બારૈયાના બે દિવસના કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા છે. ભાજપમાં વિરોધના વંટોળ વચ્ચે કોંગ્રેસમાંથી કાંગરા ખરવાનું હજી અટક્યું નથી. ધારાસભ્યો-પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેટરો બાદ શુક્રવારે પ્રદેશ સંગઠનના મહામંત્રી બને બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સૌથી મજબૂત ટેકેદાર ડી. ડી. રાજપૂતે રાજીનામું આપી દીધું હતું. આ સાથે રાજપૂતે ભાજપમાં જોડવાને સંકેત પણ આપી દીધો છે એટલે હવે ગેનીબેન માટે સ્થિતિ નબળી પડી હોવાનું જાણકારો જણાવે છે. 

ભાજપે ગૃહ રાજ્યમંત્રીને હિંમતનગર દોડાવ્યા 

ઠાકોર અને ડામોર અટકના વિવાદનો ભોગ બનનાર સાબરકાંઠાના ભીખાજી ઠાકોરને ફરી ઉમેદવાર બનાવવા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. પ્રદેશ ભાજપે ગૃહ રાજ્યમંત્રીને હિંમતનગર દોડાવ્યા હતા. મંત્રીએ લોકસભા બેઠક હેઠળ આવતા સાત ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના પક્ષના સભ્યો અને સંગઠનના હોદેદારો સાથે પાંચ કલાકની મેરેથોન બેઠક કરી હતી. એવા સંકેત મળી રહ્યા છે કે અહીં ફરી ઉમેદવાર બદલાય! આ બંને વચ્ચે, રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનની આગ પણ ઠરી રહી નથી. માત્ર રાજકોટમાં નહીં પણ સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા અને રાજ્યભરમાં રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવા માટે ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ રહી છે તે રાજકોટમાં કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા-રાજકોટ બાદ ગુજરાતની વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ, કોંગ્રેસમાં પણ અસંતોષ 2 - image


Google NewsGoogle News