સાબરમતીમાં 5 યુવક ખાબક્યાં, પ્રતિબંધિત વિસ્તારમાં રીલના ચક્કરમાં એકનું મોત, પરિવાર પર આભ તૂટ્યું
File Photo |
Gandhinagar News: હાલ, સોશિયલ મીડિયાનો સમય છે. આ માધ્યમના કારણે રાતોરાત કોઈ રસ્તે રખડતું વ્યક્તિ પણ વાઈરલ થઈ જાય છે અને સ્ટાર બની જાય છે. એવામાં યુવાનો અને બાળકોમાં પણ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ, ઘણીવાર તે જોખમી સાબિત થઈ શકે છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરથી સામે આવ્યો છે. જેમાં રીલ બનાવવા ગયેલા પાંચ યુવકો નદીમાં ડૂબી ગયા હતા, જેમાંથી એકનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા, વીડિયો વાઈરલ થતા 10 લોકોની અટકાયત
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ગાંધીનગર નજીક ગુરૂવારે (31 જુલાઈ) ફતેપુરા વિસ્તારમાં પાંચ યુવકો સાબરમતી નદી પાસે રીલ બનાવવા માટે ગયા હતા. જ્યાં અચાનક યુવકો નદીમાં ડૂબી ગયા હતા. તંત્ર દ્વારા આ વિસ્તારમાં છેલ્લાં કેટલાક દિવસોથી ચેતવણી જાહેર કરીને ભયજનક જાહેર કર્યા હતા અને ત્યાં જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમ છતાં યુવકો ત્યાં રીલ બનાવવા ગયા અને અનાક માટી ધસી પડતા બધાં નદીમાં ખાબક્યા. જોકે, તેમાંથી ચાર યુવકો પોતાની જાતે જ તરીને બહાર આવી ગયા હતા પરંતુ, મોહમ્મદ શેખ ઊંડા પાણીમાં પોતાને બચાવી ન શક્યો અને તેનું મોત નિપજ્યું.
બચાવ માટે ફાયરબ્રિગેડના પ્રયાસ
ઘટનાની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ત્રણ કલાકની શોધખોળ બાદ મોહમ્મદનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.