સુરેન્દ્રનગરના દુધરેજ પાસે તંત્ર દ્વારા બંધ કરેલા પુલ પર સ્થાનીકો અને કોંગ્રેસે રામધૂન બોલાવી
પુલ બંધ કર્યા બાદ રીપેરીંગ કામગીરી શરૃ ન કરાતા વાહન ચાલકોને હાલાકી
પાલિકાના અઘડ નિર્ણયથી વાહન ચાલકો બિસ્માર ડાયવર્ઝન રસ્તા પરથી ૩ કિલોમીટર ફરીને જવા મજબૂર - નાના વાહનો માટે દુધરેજ પુલ શરૃ રાખવા માંગ
સુરેન્દ્રનગર - વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ગટના બાદ સુરેન્દ્રનગરના દુધરેજ પાસે આવેલો જર્જરિત પુલ આયોજન કર્યા વગર ઉતાવળે બંધ કરી દેતા વાહન ચાલકોને ત્રણ કિલોમીટર દૂર બિસ્માર રસ્તા પસાર થવાની નોબત આવી છે. એટલું જ નહીં બિસ્માર રોડના કારણે અનેકવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. જેના પગલે વહિવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ પુલ પર સ્થાનીક રહિશો સહિત કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કરી તંત્ર તેમજ સરકાર સામે રોષ દાખવ્યો હતો અને લોકોના પડતી હાલાકીને ધ્યાને લઈ નાના વાહનો માટે પુલ શરૃ રાખવામાં આવે તેવી માંગ કરી હતી.
સુરેન્દ્રનગરના દુધરેજ પાસે નર્મદા કેનાલ પર આવેલ પુલ જોખમી તેમજ જર્જરીત હોવાથી તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડીયાથી બંધ કરવામાં આવ્યો છે અને કેનાલ ફરતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના કારણે ધ્રાંગધ્રા, મોરબી, કચ્છ, પાટડી, બહુચરાજી તેમજ દુધરેજ તરફ અવર-જવર કરતા નાના-મોટા વાહનચાલકો સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને હાલાકી પડી રહી છે અને પુલ બંધ હોવાથી અંદાજે બે થી ત્રણ કિલોમીટર ડાયવર્ઝનના વિસ્તારઅને ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે.
જ્યારે તંત્ર દ્વારા પુલ બંધ કર્યા બાદ હજુ સુધી રીપેરીંગની કામગીરી પણ હાથધરવામાં આવી હતી ત્યારે આ તમામ બાબતોને ધ્યાને લઈ બંધ પુલ પર સ્થાનીક રહીશો તેમજ કોંગ્રેસના આગેવાનોએ એકત્ર થઈ રામધુન બોલાવી હતી અને ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કરી રોષ દાખવ્યો હતો તેમજ નાના વાહનો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીને ધ્યાને લઈ તંત્ર દ્વારા હાલ પુરતો નાના વાહનો માટે પુલ શરૃ કરવામાં આવે અને ઝડપથી રીપેરીંગ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ તકે સ્થાનીક આગેવાનો, રહીશો સહિત કોંગ્રેસના આગેવાનો સહિતનાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.