પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા, વીડિયો વાઈરલ થતા 10 લોકોની અટકાયત
Panchmahal News: પંચમહાલના શહેરામાં તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. જેમાં દોરડા વડે ઝાડ સાથે બાંધી કેટલાક શખસોએ 2 યુવકોને તાલિબાની સજા આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા શહેરા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે 10 શખસોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, શહેરા તાલુકાના તાડવા ગામ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ સંબંધના કારણે બે યુવકોને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર શહેરાના મીઠાપુર ગામના રયજી નાયક અને પિન્ટુ નાયક તાડવા ગામની યુવતીઓ સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતાં. આ પ્રેમ સંબંધને આગળ વધારવા આ બંને યુવકો પોતાની પ્રેમિકા સાથે ભાગીને મહેમદાવાદ જતા રહ્યા હતાં. જો કે, યુવતીના સંબધીઓેને આ વિશે જાણ થઈ ગઈ હતી. યુવતીના સંબંધી અર્જુન નાયક, ઈશ્વર નાયક અને મહેશ નાયક ભેગા મળીને ચારેયને મહેમદાબાદથી જબરદસ્તી ઉપાડીને પાછા ગામડે લઈ આવ્યા હતાં.
આ પણ વાંચો: ભંકોડામાં સુઈ રહેલાં પિતા-પુત્રને સાપે દંશ માર્યો, પુત્રનું મોત
ત્યારબાદ તાડવા ગામે લાવી બંને યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુવતીઓને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈલર થતા શહેરા પોલીસે તપાસ હાથ ધરીને આ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી ઈકો કાર સહિત 10 શખસોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.