For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકડાઉનના પગલે ઓઢવ-ઇન્દોર હાઇવે શ્રમિક પરિવારોના ધાડાથી ઉભરાયો, દાહોદ-ગોધરા જવા પ્રયાણ

- પરિવહન સેવા બંધ હોવાથી પગપાળા જઇ રહ્યા છે, ઘરવખરી-બાળકો સાથે સહપરિવાર વતન ભણી રવાના

Updated: Mar 26th, 2020

Article Content Imageઅમદાવાદ, તા. 26 માર્ચ 2020, ગુરૂવાર

લોકડાઉનના કારણે અમદાવાદમાં હજારો શ્રમિકો અટવાઇ પડયા છે. ખાસ કરીને દાહોદ-ગોધરા તરફના શ્રમિક પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. 14 એપ્રિલ સુધી મજૂરી બંધ હોવાથી હવે અમદાવાદમાં પડી રહીને શું કરીશું ? તેવું વિચારીને તેઓ સહપરિવાર પગપાળા જ વતન ભણી રવાના થઇ ગયા હોવાના દ્રશ્યો ઓઢવથી ઇન્દોર એક્સપ્રેસ હાઇવે પર સર્જાયા છે. જાહેર પરિવહનના તમામ સાધનો બંધ હોવા છતાં આ પરિવારો આગળથી કોઇ સાધન મળી રહેશે તેવી આશા સાથે નીકળી પડયા છે.

અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રે ખૂબ જ મોટી સંખ્યામાં દાહોદ-ગોધરા તરફના શ્રમિક પરિવારો રોજીરોટી મેળવી રહ્યા છે. લોકડાઉનના કારણે તેઓ ફસાઇ ગયા છે. અમદાવાદમાં  હંગામી આશરો મેળવીને તેમાંય ખાસ કરીને ખૂલ્લી જગ્યામાં તંબુ તાણીને રહેતા હોય છે. હવે લોકડાઉનમાં મજૂરી મળવાની ન હોવાથી આ પરિવારો સહપરિવાર વતન ભણી રવાના થવા માંડયા છે.

સરદાર પટેલ રિંગ રોડ પર ઓઢવ સર્કલથી ઇન્દોર નેશનલ હાઇવે હાલમાં આવા શ્રમિક પરિવારોના પગપાળા સમુહોથી ઉભરાઇ રહ્યો છે. ઘરવખરી, બાળકો, પત્ની સાથે આ પરિવારોએ ગોધરા જવા માટેની વાટ પકડી લીધી છે.

જોકે એસ.ટી., રિક્ષા, ખાનગી વાહનો સહિતની તમામ પરિવહનની સેવાઓ બંધ હોવાથી તેઓ માટે પગપાળા જવા સિવાય કોઇ રસ્તો નથી. આ અંગે આ પરિવારોના જણાવ્યા મુજબ તેઓ લુણાવાડા, ગોધરા, સંતરામપુર તરફ જવા નીકળ્યા છે. લોકડાઉનમાં ૨1 દિવસ અમદાવાદમાં રોકાઇ રહેવું મુશ્કેલ છે. મજૂરી તો ઠીક પરતું ખાવા-પીવાનું કોણ આપશે. ભૂખ્યા અહીં પડયા રહેવું તેના કરતા વતનમાં જતું રહેવું સારૂ.

આ પરિવારો જણાવી રહ્યા છેકે આગળ જતા રસ્તામાં કોઇ સાધન મળી જાય તો ઠીક છે નહીં તો પગપાળા તેઓ વતન પહોંચી જશે. રાજ્ય સરકાર દ્વારા આવા પરિવારો માટે વતન જવા માટે વિશેષ બસો મૂકવી જોઇએ તેવી માંગણી તેઓ કરી રહ્યા છે. કે જેથી નાના બાળકો હેરાન ન થાય.

ઓઢવમાં ભોજનની વ્યવસ્થા કરાઇ,  ટ્રાફિક પોલીસે વાહનની વ્યવસ્થા કરી આપી

ઓઢવ રિંગ રોડ પર મોટી સંખ્યામાં વતન જવા માટે એકઠા થયેલા શ્રમિક પરિવારો માટે આજે સ્વંયસેવી સંસ્થાઓ મદદે આવી હતી. આ પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ સહપરિવાર દાહોદ-ગોધરા જવું મુશ્કેલ હોવાથી તેઓને ત્યાં પહોંચાડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા માનવતા દાખવીને આઇશર સહિતના ખાનગી વાહનોની વ્યવસ્થા કરી અપાઇ હતી.

જાણવા મળતી માહિતી મુજબ આજે દિવસ દરમિયાન કુલ 17 જેટલા ખાનગી વાહનોની વ્યવસ્થા કરીને શ્રમિક પરિવારોને વતન રવાના કરાયા હતા.


Gujarat