NSUI Protest In Gujarat University: અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ પર મોડા આવતા અધિકારીઓના કારણે વિદ્યાર્થીઓને પડતી હાલાકી મુદ્દે આજે (30 જાન્યુઆરી) NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના સત્તાવાર સમયનું પાલન ન કરતા અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની માગ સાથે કાર્યકરોએ રજિસ્ટ્રાર ઓફિસ અને વિવિધ વિભાગોને તાળાબંધી કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીમાં NSUIની તાળાબંધી
NSUIના કાર્યકતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, યુનિવર્સિટીનો સમય સવારે 10:30 વાગ્યાનો હોવા છતાં જવાબદાર અધિકારીઓ 12 વાગ્યા સુધી તેમના સ્થાન પર હાજર હોતા નથી. ખાસ કરીને પરીક્ષાના આ સમયગાળામાં દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે કલાકો સુધી રાહ જોવી પડે છે તેના લીધે પરેશાન થઈ રહ્યા છે.

આ મામલે NSUI દ્વારા અગાઉ રજૂઆત કરવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પગલાં ન લેવાતા આજે શુક્રવારે તાળાબંધી કરવામાં આવી હતી.
NSUI દ્વારા વિરોધ દરમિયાન સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, જો નિષ્ક્રિય અને અનિયમિત અધિકારીઓ વિરુદ્ધ પગલા ભરી પગાર કાપવા જેવી કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સમગ્ર યુનિવર્સિટીમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


