Gujarat

આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં

By GS TEAM
24 Nov 20251 min read
આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં જોર શોરથી શરુ કરવામાં આવેલા હિન્દુ સ્ટડીઝના ડિગ્રી કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વર્ગોના પણ ફાંફા પડી રહ્યા છે.

મળતી વિગતો પ્રમાણે ચાર વર્ષ પહેલા આ કોર્સને લોન્ચ કરવામાં આવ્યો હતો અને નવી શિક્ષણ નીતિને અનુરુપ કોર્સ હોવાનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો.આર્ટસ ફેકલ્ટીનો આ કોર્સ હોવા છતા તેના વર્ગો સંસ્કૃત મહાવિદ્યાલયમાં ચલાવવામાં આવે છે.મહાવિદ્યાલયમાં પરીક્ષા કે બીજા કારણસર છાશવારે આ કોર્સ માટે વર્ગો  ફાળવવાનો ઈનકાર કરી દેવાય છે અને તેના કારણે વિદ્યાર્થીઓને  મુશ્કેલી વેઠવી પડે છે.

આજે વિદ્યાર્થીઓએ આ મુદ્દે હેડ ઓફિસ ખાતે ફરિયાદ કરી હતી.વિદ્યાર્થીઓનું કહેવું હતું કે,  કોર્સના લેકચર પણ અનિયમિત રીતે લેવાય છે.ક્યારેક અધ્યાપકો આવતા જ નથી.જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે.બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે, કોર્સ માટે ચાર જ અધ્યાપક છે.ઉપરાંત તેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે.આ વર્ષે તો એફવાયમાં દસ કરતા પણ ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.