આજે દેશભરમાં NEETની પરીક્ષા: 23 લાખ જેટલાં વિદ્યાર્થીઓનું લખાશે ભાવિ
NEET Exam: ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે રવિવારે (4 મે)ના રોજ દેશભરમાં NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રંસ ટેસ્ટ) લેવામાં આવી રહી છે.જેમાં ગુજરાતના અંદાજે 85 હજારથી વધુ અને દેશભરમાંથી 23 લાખ જેટલા વિધાર્થી પરીક્ષા આપશે.
ગુજરાતના 29 જિલ્લામાં 31 શહેરોમાં 214 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે
ભારત સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દર વર્ષે મેડિકલ પ્રવેશ માટેની નીટ એક્ઝામ લેવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2025ની નીટ રવિવારે લેવામાં આવશે જે ગત વર્ષ કરતા એક દિવસ વહેલી યોજાઈ રહી છે. દેશ અને વિદેશના 566 શહેરોમાં આ પરીક્ષા લેવામાં આવશે જેમાં ભારત બહારના દુબઈ સહિતના દેશોમાં 14 શહેરોમાં પણ પરીક્ષા યોજાઈ રહી છે. ગુજરાતમાં 29 જિલ્લામાં 31 શહેરોમાં 214 કેન્દ્રોમાં આ પરીક્ષા લેવામાં આવશે. જેમાં અમદાવાદમાં કોલેજ, ગુજરાત યુનિ.ના વિભાગો તેમજ સ્કૂલ સહિતના 24 સેન્ટરોમાં પરીક્ષા લેવાશે. ગુજરાતમાં આ વર્ષે 85,279 વિધાર્થી નોંધાયા છે. ગુજરાતના વિધાર્થીઓ માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પરીક્ષાના પેપરો અપાશે જ્યારે સમગ્ર દેશમાં કુલ 13 ભાષામાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. નીટ પરીક્ષામાં ફિઝિક્સના 180 ગુણના પ્રશ્નો તેમજ કેમેસ્ટ્રીના 180 ગુણના પ્રશ્નો અને બાયોલોજીના 360 ગુણના પ્રશ્નો સાથે કુલ 720 ગુણની પરીક્ષા લેવામાં આવશે.
આ પણ વાંચોઃ નવા શૈક્ષણિક વર્ષથી શાળાએ અવર-જવર માટે મફત વાહન સેવા! 1.66 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો
ગત વર્ષ કરતાં આ વર્ષે 1 લાખ વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો
કુલ ત્રણ કલાકની આ પરીક્ષામાં 180 પ્રશ્નો રહેશે. સાચા જવાબ માટે ચાર માર્ક અને ખોટા જવાબ માટે માઇનસ એક માર્ક રહેશે. ગત વર્ષે સમગ્ર દિવસમાં 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા ત્યારે આ વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઘટયા છે. ગત વર્ષે ગુજરાતના ગોધરા સહિત બિહારના કેટલાક કેન્દ્રોમાં ગેરરીતી અને ચોરીની અનેક ફરિયાદો સાથે મોટો વિવાદ થયો હતો તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરિણામમાં સુધારો પણ કરવો પડ્યો હતો. આ વર્ષે નીટમાં મોટા ભાગના ખાનગી સ્કોલોના કેન્દ્રો રદ કરીને સરકારી સંસ્થાના સેન્ટર અપાયા છે.
નીટ પરીક્ષા: સેન્ટરો સવારે 11થી ખોલી દેવાયા
નીટ પરીક્ષા બપોરે બે થી પાંચ વાગ્યા સુધી યોજવામાં આવશે. સેન્ટરો સવારે 11 વાગ્યાથી જ ખુલી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ મોડામાં મોડું દોઢ વાગ્યે સેન્ટર પર પહોંચી જવાનું રહેશે અને ફરજિયાત એડમિટ કાર્ડ એટલે કે હોલ ટિકિટ લઈ જવાની રહેશે.