વાઈબ્રન્ટ ગુજરાતમાં નલ સે જલ યોજનાનો ફિયાસ્કો, 290 ગામડામાં ટેન્કર રાજ, પીવાનું શુદ્ધ પાણી નથી
Nal Jal Yojna: ગુજરાતમાં એક તરફ, કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યાં છે તો, બીજી તરફ, ચારેકોર પાણીના પોકાર ઊઠ્યાં છે. ખાસ કરીને છેવાડાના ગામડાઓમાં તો લોકોને પાણી માટે ભટકવું પડી રહ્યુ છે. નર્મદાના નીર છેવાડાના ગામડા સુધી પહોચ્યાં છે અને નલ સે જલ યોજના થકી ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચ્યુ છે તેવા દાવાનો પરપોટો ફુટ્યો છે.
નલ સે જલ યોજના ભ્રષ્ટાચારનું માધ્યમ બની
સરકારનો જ રિપોર્ટ છે કે, 290 ગામડાઓમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગામડાઓ જ નહીં, અમદાવાદ જેવા શહેરોમાં ય ટેન્કરથી પાણી પહોચતું કરવામાં આવી રહ્યાં છે. વાઈબ્રન્ટ ગુજરાતની કમનસીબી જુઓ કે, આજે પણ લોકોને પીવાનુ શુદ્ધ પાણી મળી રહ્યું નથી. આજે પણ 700થી વધુ ગામડાઓના ગ્રામજનો કૂવા અને હેન્ડપંપથી પીવાનુ પાણી મેળવવા મજબૂર છે.
નલ સે જલ યોજનાના માઘ્યમથી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં નળથી પીવાનુ પાણી પહોચ્યુ છે અને 100 ટકા સિદ્ધી હાંસલ કરાઇ છે તેવો સરકારનો દાવો છે. વાસ્તવમાં નલ સે જલ યોજના ભ્રષ્ટાચારનું માધ્યમ બની છે તેવો ઉલ્લેખ કરતાં ધારાસભ્ય અનંત પટેલનું કહેવુ છે કે, મહારાષ્ટ્ર બોર્ડર નજીકના ગામડાઓમાં પાણીની ખેંચ વર્તાઈ છે. નવસારી જિલ્લાના 25 જેટલાં ગામડાઓમાં એવી દશા છે કે, ખાનગી બોરમાંથી લોકોને પાણી મેળવવુ પડે છે. ઘર પાસે નળ લગાવી દીધાં છે પણ પાણીના પાઈપલાઇન જ નાંખી નથી. દુર દુર સુધી પાણી લેવા જવું પડે છે. સરકારમાં રજૂઆત કર્યા પછી ય સમસ્યા હલ થતી નથી.
સરકારના રિપોર્ટમાં જ એવો જ ખુલાસો થયો છેકે, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, ડાંગ , સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લામાં પાણીની સમસ્યા વકરી છે.આ વિસ્તારોમાં ૨૯૦ ગામડાઓમાં ટેન્કરથી પાણી પહોંચતુ કરવામાં આવી રહ્યુ છે. ભૂગર્ભ જળના તળ ઉંચા આવ્યાં છે તેવો પાણી પુરવઠા મંત્રીએ દાવો કર્યો છે પણ વાસ્તવિકતા એછે કે, આદિવાસી વિસ્તારોમાં તો પાણીના બોર સુઘ્ધાં સૂકાયાં છે. ધારાસભ્ય કાંતિ ખરાડીનું કહેવુ છે કે, દાંતા-અમીરગઢ વિસ્તારમાં તો હેન્ડપંપ જ તૂટી ગયા છે. બોર સુકાઇ જતાં પાણી આવતુ જ નથી. નલ સે જલ યોજના મશ્કરી સમાન છે કેમકે, મુખ્ય પાણીની પાઇલપાઇન નાંખી નથી. માત્ર નળ લગાડીને દેખાડો કરાયો છે. ટેન્કર ચાલુ કરવા રજૂઆત કરાઇ પણ કોઇ સાંભળતુ નથી.
ગામડાઓના લોકોએ કૂવા પર જ નિર્ભર
ગુજરાતમાં 495 ગામડાઓ એવાં જ્યાં ગ્રામજનો કૂવામાંથી જ પીવાનું પાણી મેળવે છે. છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારમાં ગામડાઓના લોકોએ કૂવા પર જ નિર્ભર રહેવું પડે તેમ છે. આ વિસ્તારોમાં પાણીનો કોઇ બીજો સ્ત્રોત નથી. જ્યારે 291 ગામડાઓના લોકોએ હેન્ડપંપથી જ પાણી મેળવવુ પડે છે. વિકસીત ગુજરાતમાં આજે પણ લોકોને હેન્ડપંપ-કૂવામાંથી પાણી પીવુ પડે છે. શુદ્ધ પાણી પણ લોકો સુધી પહોચી શક્યુ નથી ત્યાં મિટરથી પાણી આપવાની ડીંગો હાંકવામાં આવી હતી. આમ, નળથી ઘર ઘર સુધી પીવાનુ પાણી પહોંચ્યુ છે તેવી સુફિયાણી વાતો આજે બોદી પુરવાર થઇ છે.