નવા શૈક્ષણિક વર્ષથી શાળાએ અવર-જવર માટે મફત વાહન સેવા! 1.66 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો
Gujarat News: સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પરિવહન સેવાનો લાભ આપવા માટે ગત વર્ષે 2024 માં કરાયેલા ઠરાવ અંતર્ગત રાજ્યની પ્રાથમિક સ્કૂલો બાદ હવે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા 1.66 લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળશે. શિક્ષણ વિભાગ દ્વારા આ વિદ્યાર્થીઓ પણ ઘરેથી સ્કૂલ જવા માટે પરિવહનની સેવાનો લાભ લઈ શકે તે માટે દરખાસ્ત મંગાવવાનું નક્કી કર્યું છે. જેમાં 7 મે સુધીમાં દરખાસ્ત મળ્યા બાદ 12 મે સુધીમાં મંજૂરીની કાર્યવાહીપૂર્ણ કરવામાં આવશે. વિદ્યાર્થીના ઘરથી 5 કિ.મી. કરતા વધુ દૂર આવેલી સ્કૂલ માટે પરિવહન યોજનાનો લાભ મળશે.
વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા
સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં શાળા સુધી મુસાફરી કરી શકે તે માટે વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા આપવામાં આવેલી છે. ઉપરાંત સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓને ઘરથી શાળા સુધીના અંતરના નિયમો મુજબ શાળા પરિવહનની સુવિધા નિયત સંખ્યાની મર્યાદામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ યોજનાનો વ્યાપ વધારી સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી શાળા સુધી પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળા પરિવહન યોજનાનો લાભ મેળવી શકશે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાએથી 7 મે સુધીમાં જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએથી દરખાસ્ત મેળવી 12 મે સુધીમાં મંજૂરી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આ યોજનાનો લાભ કોને મળી શકશે?
આ યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓની કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની તમામ પ્રકારની અન્ય યોજનામાં ડુપ્લીકેશન ન થાય તે જોવાની જવાબદારી શાળાની રહેશે. વિદ્યાર્થીના રહેણાંકથી 5 કિ.મી.થી વધુ અંતરે આવેલી સૌથી નજીકની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળામાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે.
અમદાવાદમાંથી સૌથી વઘુ 17532 વિદ્યાર્થીઓને લાભ
અમદાવાદ જિલ્લાના 8201, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારના 9332, ગાંધીનગરના 5592, બનાસકાંઠાના 6954, સુરતના 3360, રાજકોટના 4346, વડોદરાના 4085, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારના 1939, સુરત મ્યુનિ. કોર્પોરેશનના 2664 અને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારના 2606 વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળશે.