Get The App

ભાજપ નેતાને કમલમમાં જ માર પડ્યો, નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈ પર આરોપ

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપ નેતાને કમલમમાં જ માર પડ્યો, નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈ પર આરોપ 1 - image


Narmada News : નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે. રાજપીપળામાં મશાલ રેલી બાદ કમલમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈએ હુમલો કરી ધમકીઓ આપી હોવાની પોલીસ ફરિયાદ થતાં જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

નર્મદા જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ ડૉ. ધવલ પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખના ભાઈ ડૉ. રવિ દેશમુખ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ‘હું તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિતેશભાઈ તડવી 14 ઑગસ્ટના રોજ રાજપીપળા ખાતે ભાજપ દ્વારા આયોજિત મશાલ રેલીમાં હાજર હતા ત્યારે ડૉ. રવિ દેશમુખનો જિતેશભાઈ પર ફોન આવ્યો હતો અને મારી ટિકિટ કપાઈ હોવાની અફવા અંગે અપશબ્દો બોલી ઔકાત બતાવી દેવાની ધમકી આપી હતી.’

આ પણ વાંચો: દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ

ડૉ. ધવલ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર ‘આ ઘટના બાદ હું સાંજે કમલમ ઑફિસ પહોંચ્યો ત્યારે ત્યાં હાજર ડૉ. રવિ દેશમુખે મારા પર હુમલો કરતાં મારા ખભા અને ગળાના ભાગે ઈજા થઈ હતી. આ સમયે મહિલા ધારાસભ્ય સહિત અન્ય અગ્રણીઓ પણ હાજર હતા. હુમલા બાદ ડૉ. રવિ દેશમુખે મને ગરુડેશ્વરમાં રહેવા નહીં દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.’

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો અન્યાય, ગુજરાત કરતાં અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લહાણી

માત્ર બોલાચાલી થઈ છે, મારામારી થઈ નથી : ડૉ. રવિ દેશમુખ

આ વિશે પ્રતિક્રિયા આપતાં ડૉ. રવિ દેશમુખે જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને સંતોષવા અને સમાજમાં ભાગલા પાડવાનું મોટું ષડયંત્ર છે. આદિવાસી ધારાસભ્ય બહેનને નીચા પાડવા જાહેર સ્થળે તેઓ ચર્ચા કરતા હતા અને બહેનને અપશબ્દો બોલતા હતા. આદિવાસી બહેન મારી સગી બહેન છે. એક ભાઈ તરીકે મારી કોઈ સ્વાભાવિક પ્રતિક્રિયા ના હોઈ શકે? ફક્ત ઉગ્ર બોલાચાલી થઈ છે. કોઈ મારામારી કે ધાકધમકી આપી નથી.



Tags :