કેન્દ્ર સરકારનો અન્યાય, ગુજરાત કરતાં અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લહાણી
Government Grant: ચૂંટણી વખતે કેન્દ્રએ ગુજરાતને ઘોર અન્યાય કર્યો છે તેવી બૂમરેંગ કરી ભાજપે ખૂબ હોબાળો મચાવ્યો હતો. હવે મોસાળે જમણને મા પીરસનાર હોવા છતાંય ગુજરાતને અન્યાય થતો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. અન્ય રાજ્યોને કરોડો રૂપિયા સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જ્યારે ગુજરાતને ગ્રાન્ટ ફાળવવામાં કેન્દ્ર કંજૂસી કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વધુ સરકારી ગ્રાન્ટ ફાળવવાની વાત તો બાજુએ રહી પણ જે ગ્રાન્ટ મળી રહી છે તેમાંય કાપ મૂકાઈ રહ્યો છે.
સરકારી યોજનામાં ગુજરાતને ઓછી ગ્રાન્ટ ફાળવાઈ
કેન્દ્ર સરકાર તરફથી મળતી નાણાંકીય સહાય થકી જ રાજ્યમાં વિવિધ વિકાસના કામો થતા હોય છે. ખુદ કેન્દ્ર સરકારે જ સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો છે કે, મનરેગા, પીએમ ગ્રામ સડક યોજના, મઘ્યાહ્ન ભોજન યોજના, સ્વચ્છ ભારત મિશન, નેશનલ હેલ્થ મિશન સહિત અન્ય સરકારી યોજના અંતર્ગત વિવિધ રાજ્યોને નાણાંકીય સહાય કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છેકે, બિહાર, કર્ણાટક, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિસા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉારપ્રદેશ અને પશ્ચિમ બંગાળને સરકારી ગ્રાન્ટની જાણે લ્હાણી કરવામાં આવી છે. છેલ્લાં ચારેક વર્ષમાં આ બધાય રાજ્યોને ગુજરાતની સરખામણીમાં વધુ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
બીજી બાજુ, ગુજરાતને સરકારી ગ્રાન્ટમાં ય ધરાર અન્યાય કરાયો છે. વર્ષ 2020-21માં વિવિધ સરકારી યોજના અંતર્ગત ગુજરાતને રૂ. 9430 કરોડ, વર્ષ 2021-22માં રૂ. 12,701 કરોડ નાણાંકીય સહાય કરવામાં આવી હતી. વર્ષ 2022-23માં કેન્દ્રએ ગુજરાતને રૂ. 14,472 કરોડ ફાળવ્યા હતા જ્યારે વર્ષ 2023-24માં રૂ. 14,063 કરોડની સરકારી ગ્રાન્ટ ફાળવી હતી.
રાજ્યના વિકાસના કામોમાં કેન્દ્રની સહાયની મુખ્ય ભૂમિકા હોય છે ત્યારે અન્ય રાજ્ય કરતાં વધુ સરકારી ગ્રાન્ટ ફાળવવાની વાત તો બાજુએ રહી પણ વર્ષ 2022-23ની સરખામણીમાં વર્ષ 2023-24માં ગુજરાતને મળતી ગ્રાન્ટમાં રૂ. 400 કરોડનો કાપ મૂકાયો હતો. સરકારી ગ્રાન્ટ મેળવવામાં અન્ય રાજ્યો વધુ લાભવંતિત થયા છે ત્યારે ગુજરાતની ધરાર અવગણના કરવામાં આવી રહી છે. કેન્દ્રના અન્યાયને લઈને હવે કોઈ કાગારોળ મચાવવા તૈયાર નથી.