દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ
Gujarat Debt : વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતનુ જાહેર દેવું વધી રહ્યું છે. સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ, વર્ષ 2024-25માં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડે પહોંચ્યું છે. વિકાસનુ નામ આગળ ધરી સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતાં પ્રત્યેક ગુજરાતીના માથે દેવું વધી રહ્યું છે.
પ્રત્યેક ગુજરાતી બાળક રૂ. 66 હજારના દેવા સાથે જન્મે છે
વર્ષ 2021-22માં ગુજરાતનું દેવું રૂ. 3.60 લાખ કરોડ હતુંં, જે વર્ષ 2024-25માં વધીને રૂ. 4.90 લાખ કરોડ સુધી પહોચ્યું છે. આ જોતાં ગુજરાતના દેવામાં રૂ. 1.30 લાખ કરોડનો અધધધ વધારો થયો છે. સરકારનો તર્ક રહ્યો છેકે, સરકારી ગ્રાન્ટ સાથે નવી નવી સરકારી યોજનાઓ થકી રાજ્યની જનતાઓની આકાંક્ષા પૂર્ણ કરવી પડે છે જેના કારણે વિકાસના કામો પાછળ વધુ ખર્ચ કરવો પડે છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો અન્યાય, ગુજરાત કરતાં અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લહાણી
દર વર્ષે બજેટની રકમમાં વધારો કરી સરકાર જાણે સિદ્ધિ મેળવી હોય તેવો પ્રચાર કરે છે પણ કડવી હકીકત એ છે કે, ગુજરાતના બજેટ કરતાં દેવું વધુ છે. બુલેટ ગતિએ રાજ્યનું દેવું વધી રહ્યું છે જે આર્થિક નિષ્ણાતોના મતે, ચિંતાજનક મુદ્દો રહ્યો છે. જાહેર દેવું વધી રહ્યું હોવા છતાંય સરકારને જરાય પડી નથી. સરકારી દેવામાં ય જાણે વિકાસ થઈ રહ્યો છે. આજે પ્રત્યેક ગુજરાતી બાળક રૂ. 66 હજારથી વધુનું દેવું લઈને જન્મે છે.
વિપક્ષનો આરોપ છે કે, વાઇબ્રન્ટ સમિટના નામે ભપકાબાજી કરવી, રૂ. 191 કરોડના ખર્ચે પ્લેનની ખરીદી કરવી. ટૂંકમાં પ્રજાલક્ષી યોજના કરતાં સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સરકારને જાહેર દેવું વધે છતાંય જરાય પડી નથી. જો આવા ખોટા ખર્ચ કરવાનં ટાળ્યું હોત તો કદાચ જાહેર દેવું ઓછું હોત. પણ અત્યારે પ્રજાના પરસેવાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, અત્યારે રાજ્યના દેવાના વ્યાજ પાછળ જ કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના દેવામાં હજુ વધુ વધારો થાય તેવો અંદાજ છે.