- આ વર્ષે કુલ ખર્ચના 50 ટકા એટલે કે 465.82 કરોડ રૂપિયા માત્ર ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચવાનું આયોજન
- વર્ષ 2035 સુધીના વિઝન સાથે રસ્તા, ગટર અને પાણી પુરવઠા માટે કરોડોની જોગવાઈ કરાઈ ટ્રાફિક સમસ્યા નિવારવા પીજ રોડથી કોર્પોરેશન સુધી રૂ.198 કરોડનો ફ્લાય ઓવરબ્રિજ બનશે
- પીવાના શુદ્ધ પાણી માટે 41 કરોડના પ્રોજેક્ટ્સ, 6 કરોડના ખર્ચે સ્કાડા સિસ્ટમ ધરાવતો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરાશે : વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 14 કરોડની નેટવર્ક સુધારણા કામગીરી હાથ ધરાશે
- 20 કરોડના ખર્ચે નકશા પ્રોજેક્ટ હેઠળ તમામ મિલકતોનું ડિજિટલ મેપિંગ કરાશે, રૂપિયા 40 કરોડના ખર્ચે નવું મહાનગર સેવા સદન બિલ્ડીંગ બનશે
- શહેરના આંતરિક અને મુખ્ય માર્ગોના નવીનીકરણ માટે રૂપિયા 80 કરોડની માતબર રકમ ફાળવાઈ
નડિયાદના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આ વર્ષે કુલ ખર્ચના ૫૦ ટકા એટલે કે ૪૬૫.૮૨ કરોડ રૂપિયા માત્ર ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચવાનું આયોજન છે. શહેરમાં ટ્રાફિકની જટિલ સમસ્યાના કાયમી ઉકેલ માટે પીજ રોડથી કોર્પોરેશન સુધી ૧૯૮ કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના આંતરિક અને મુખ્ય માર્ગોના નવીનીકરણ માટે ૮૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જેમાં ગ્રીન રિંગ રોડ અને આઇકોનિક રોડ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. શહેરની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ગટર લાઈનોના અપગ્રેડેશન માટે ૪૭ કરોડ અને નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ૨૨ કરોડ ફાળવાયા છે. પીવાના શુદ્ધ પાણી માટે ૪૧ કરોડના પ્રોજેક્ટ્સ અને ૬ કરોડના ખર્ચે સ્કાડા સિસ્ટમ ધરાવતો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરાશે. વરસાદી પાણીના નિકાલ માટે ૧૪ કરોડની નેટવર્ક સુધારણા કામગીરી હાથ ધરાશે, જે ચોમાસા દરમિયાન ભરાતા પાણીની સમસ્યામાં રાહત આપશે.
બજેટમાં ડિજિટલ ગવર્નન્સ અને સુરક્ષા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ૨૦ કરોડના ખર્ચે નકશા પ્રોજેક્ટ હેઠળ તમામ મિલકતોનું ડિજિટલ મેપિંગ કરાશે. વહીવટી સરળતા માટે ૪૦ કરોડના ખર્ચે નવું મહાનગર સેવા સદન બિલ્ડીંગ બનશે, જેમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સુવિધા હશે. આ ઉપરાંત અગ્નિશમન સેવાઓને સુદ્રઢ બનાવવા ૫ કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન અને ટ્રાફિક નિયમન માટે એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ તેમજ સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન છે.
- આરોગ્ય અને નાગરિક સુખાકારી
શહેરી આરોગ્ય કેન્દ્રોના અપગ્રેડેશન માટે ૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં કમળા, ટુંડેલ અને સંતરામ મંદિર સામેના કેન્દ્રોનો કાયાકલ્પ કરાશે. મહિલાઓની સુવિધા માટે ૨ પિંક ટોઈલેટ અને અન્ય ૬ નવા પબ્લિક ટોઈલેટ બનાવવામાં આવશે. રખડતા પશુઓના પ્રશ્નના કાયમી નિકાલ માટે ૩.૭ કરોડના ખર્ચે કેટલ પોન્ડ અને ડોગ શેલ્ટર બનાવવાનું પણ બજેટમાં આયોજન.
- રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રયાસ
નડિયાદ મહાનગરપાલિકાના બજેટમાં સૌથી મહત્વની બાબત એ છે કે, બજેટમાં કરેલી અનેક જોગવાઈઓ રાજ્ય સરકારની નવી યોજનાઓ પર જ નિર્ભર છે. જેથી આ પ્રકારના જે કામો રાજ્ય સરકારની યોજનાઓને આધિન છે, તે ત્વરીત શરૂ કરી અને પરીણામ મળે અને છતાં મનપાને આથક ભારણ ન આવે અને રાજ્ય સરકારના નાણાંકીય આયોજનમાંથી જ વિકાસ કામ થાય તે માટે પ્રયાસ કરાયો છે.
- શિક્ષણ અને મનોરંજન : ડિજિટલ લાયબ્રેરી અને આઇકોનિક ગાર્ર્ડન
શહેરના યુવાનો અને વિદ્યાર્થીઓની સુવિધા માટે ૨.૯ કરોડના ખર્ચે 'નમો સેન્ટ્રલ ડિજિટલ લાયબ્રેરી' અને કો-વર્કિંગ સ્પેસનું નિર્માણ કરવામાં આવશે. મનોરંજન અને પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે ૧.૧૭ કરોડના ખર્ચે 'ગુજરાત ગૌરવ પાર્ક - આઇકોનિક ગાર્ડન' અને ૨.૯ કરોડના ખર્ચે 'સુગમ ઉદ્યાન' વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, ડભાણ ગાર્ડનમાં દિવ્યાંગો, મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે ખાસ સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે.
- મહિલા સશક્તિકરણ અને ફેરિયાઓ માટે આયોજન
શહેરના ફેરિયાઓ માટે ૪.૭ કરોડના ખર્ચે 'મોર્ડન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ સ્કીમ' અમલમાં મૂકવામાં આવશે. આ યોજના હેઠળ ખાસ કરીને મહિલાઓ માટે અલગ વેન્ડિંગ માર્કેટ બનાવવામાં આવશે, જે મહિલા રોજગારીને વેગ આપશે. સાથે જ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો અને સ્થાનિક કારીગરોને પોતાનું પ્લેટફોર્મ મળી રહે તે માટે 'સ્વદેશી મેળાઓ'નું પણ આયોજન કરવામાં આવશે.
- જળ સંચય અને હેરીટેજ સંરક્ષણ
નડિયાદના ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે ૧૩ કરોડના ખર્ચે હેરીટેજ ગેટ, વાવ અને સંતરામ ટાવરનું રિનોવેશન કરવામાં આવશે. જળ સંચય માટે 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત ૪.૭ કરોડની જોગવાઈ સાથે ૫,૦૦૦ રેઇન વોટર રિચાર્જ પીટ બનાવવામાં આવશે. આ ઉપરાંત, શહેરના તળાવોને ઇન્ટરલિંક કરવા અને મુળેશ્વર, શેરકંઠ અને પીલવાઈ તળાવોના વિકાસ માટે ૯.૫૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
- બજેટ હાઈલાઈટ્સ
મુખ્યમંત્રી નગર નવજીવન યોજના - ૫.૮ કરોડ, જીવનધારા યોજના - ૫.૮ કરોડ, અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ - ૫.૮ કરોડ, સીટી બસ સ્ટેન્ડ બનાવવા અને અપગ્રેડેશન - ૫ કરોડ, ટ્રાફિક સિગ્નલ - ૫ કરોડ, સ્માર્ર્ટ પાર્કિંગ - ૧ કરોડ, નમો સેન્ટ્રલ ડિજીટલ લાયબ્રેરી - ૨.૯ કરોડ, ગુજરાત ગૌરવ પાર્ક-આઇકોનીક ગાર્ડન - ૧.૧૭ કરોડ, સુગમ ઉદ્યાન યોજના - ૨.૯ કરોડ, સીએમ મોર્ડન સ્ટ્રીટ વેન્ડીંગ માર્કેટ સ્કીમ - ૪.૭ કરોડ, પાણીની લાઇનો અપગ્રેડેશન અને વોટર સપ્લાય પ્રોજેકટ - ૪૧ કરોડ, અમૃત પ્રોજેક્ટ્સ - ૩૦ કરોડ, નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ - ૬ કરોડ, ગટર લાઇન અપગ્રેડેશન - ૪૭ કરોડ, વરસાદી પાણીની લાઇનોનું નેટવર્ક સુધારણા - ૧૪ કરોડ, સ્ટ્રીટ લાઇટ - ૧૧ કરોડ, નવો એસટીપી - ૨૨ કરોડ, નવું મહાનગર સેવા સદન બિલ્ડીંગ - ૪૦ કરોડ, નવું ફાયર સ્ટેશન - ૫ કરોડ, રોડ - ૮૦ કરોડ, ગ્રીન રીંગરોડ ડેવલોપમેન્ટ - ૨૫ કરોડ, ડામર અને સીસી રોડ - ૩૫ કરોડ, બીજો આઇકોનીક રોડ - ૧૫ કરોડ, જનભાગીદારી યોજના - ૫ કરોડ, ફલાય ઓવર બ્રીજ (પીજ રોડથી કોર્પોરેશન) - ૧૯૮ કરોડ, કેનાલ ફ્રન્ટ ડેવલોપમેન્ટ - ૫ કરોડ, સ્પોર્ટ્સ - ૬.૫ કરોડ, શહેરી વનીકરણ - ૫૦ લાખ, તળાવ ડેવલોપમેન્ટ - ૯.૫૧ કરોડ, આરોગ્ય કેન્દ્રો (અર્બન હેલ્થ સેન્ટર્સ) - ૫ કરોડ, સ્કુલ અને આંગણવાડી અપગ્રેડેશન - ૫ કરોડ, સ્મશાન અપગ્રેડેશન - ૨.૫ કરોડ, સ્વચ્છતા - ૨૬ કરોડ, હીટ વેવ અને કલીન એર એકશન પ્લાન - ૧ કરોડ, પશુ આશ્રય સ્થાન અને કુતરા સ્ટરીલાઇઝેશન સેન્ટર - ૩.૭ કરોડ, નકશા પ્રોજેકટ - ૨૦ કરોડ, પીએમ આવાસ યોજના (હાઉસીંગ) - ૧૫ કરોડ, હેરીટેજ ડેવલોપમેન્ટ - ૧૩ કરોડ, કેચ ધ રેઇન (જળસંચય) - ૪.૭ કરોડ.


