દાનમાં મળેલા હાથથી મૃતક ડોનરના ભાઈને બાંધી રાખડીઃ હિન્દુ-મુસ્લિમ એકતા સાથે સર્જાયા માનવતાના ભાવસભર દ્રશ્યો
Raksha Bandhan: પ્રેમ, લાગણી અને માનવતાની મિસાલ પુરતી એક અનોખી ઘટના આજે દેશભરમાં હૃદયસ્પર્શી બની. સપ્ટેમ્બર 2024માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય સ્વ. રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. વિશ્વના ઈતિહાસમાં સૌથી પહેલીવાર એટલી નાની ઉંમરે માત્ર 9 વર્ષની બાળકીના હાથનું આ દાન હતું. સ્વ. રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડૉ. નીલેશ સાતભાઈ દ્વારા ગોરેગાવ, મુંબઈની રહેવાસી 15 વર્ષીય અનમતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા જાગી નથી, પરંતુ આજે સ્વ. રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠયો.
આ પણ વાંચોઃ ગુજરાતના આ વિસ્તારમાં દરેક ઘરમાં જોવા મળશે ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ, જાણો શું છે મામલો
અનન્ય રક્ષાબંધન સર્જાયું
રક્ષાબંધનની ઉજવણી કરવા અનમતા અહેમદ રિયાનાં ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ તેના પરિવાર સાથે આવીને રાખડી બાંધી હતી. આ ક્ષણ કંઇક એવી હતી કે, આંખોમાં આંસુ આવી ગયા. પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા. યુવાનીમાં ડગ માંડતી અનમતાને તો જાણે હાથ નહીં પણ રિયા નામની નવી પાંખો મળી. તેનો સમગ્ર પરિવાર રિયાનાં પરિવારનો, ડોનેટ લાઈફ તથા તબીબોનો ઋણી છે. તેથી જ આ રક્ષાબંધન પર એ ઋણ અદા કરવા અનમતા અહેમદ વલસાડ આવી પહોંચી હતી, રિયાના હાથથી ભાઈ શિવમના હાથ પર અનમતાએ જયારે રાખડી બાંધી ત્યારે એક અનન્ય રક્ષાબંધન રચાયું હતું. સ્વ. રિયાના હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઈશ્વર અને અલ્હાના દેવત્વને ખરાં અર્થમાં સાકાર કરી ગયું.
સાક્ષાત્કારનો અનુભવ
વલસાડની આર.જે.જે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો રિયાનો ભાઈ શિવમ પોતાની વ્હાલસોયી નાની બહેનના હાથને વારંવાર સ્પર્શી રહ્યો હતો. અનમતા અહેમદના કપાયેલાં ખભા સુધીનાં હાથની જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા રિયાનાં હાથના સ્પર્શ માત્રથી ભાઈ શિવમના દિલમાં નાની અમથી બેની રિયા જાણે જીવતી થઈ ગઈ. સ્વ. રિયાના માતાપિતા બોબી અને ત્રીષ્ણાએ ભાવુક થઈ જણાવ્યું હતું કે, આજે એવું લાગી રહ્યું છે કે રિયા ફરી અમારા વચ્ચે આવી છે. તેની રાખડી, તેનો સ્પર્શ બધું જ જાણે પાછું આવી ગયું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. તેઓએ અનમતાના જમણા હાથને પોતાના હાથમાં લઈને કઈ કેટલી વાર વ્હાલ કર્યું. જાણે પોતાની નાનકડી રિયાને રૂબરૂ જોઈ રહ્યાં હોય તેમ અનમતાને વળગી વળગી વ્હાલ વરસાવ્યું. એ ક્ષણોનો સાક્ષાત્કાર અદ્ભુત હતો.
શિવમના રૂપમાં ભાઈ મળ્યો
અનમતા અહેમદે જણાવ્યું હતું કે, 'રિયાના પરિવારનો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. ઓક્ટોબર 2022માં ઇલેક્ટ્રિક શોકના કારણે મારો જમણો હાથ ખભાના લેવલથી ગુમાવવો પડ્યો હતો અને મારૂ જીવન અંધકારમય થઈ ગયું હતું. 17 સપ્ટેમ્બર, 2024ના રોજ 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી હાથનું દાન થયું અને તેના હાથનું ટ્રાન્સપ્લાન્ટ મારામાં થતા, મારી જિંદગીમાં ફરી એક નવી શરૂઆત થઈ. આજે એજ હાથથી મેં રિયાના ભાઈને રાખડી બાંધી છે. મને શિવમના રૂપમાં ભાઈ મળ્યો છે.'