Get The App

ભાઈ-બહેનના પ્રેમનો અનોખો કિસ્સો: ભાઇને કિડની આપી 'રક્ષા' નું બંધન નિભાવવા ચારેય બહેનો તૈયાર થઇ

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
ભાઈ-બહેનના પ્રેમનો અનોખો કિસ્સો: ભાઇને કિડની આપી 'રક્ષા' નું બંધન નિભાવવા ચારેય બહેનો તૈયાર થઇ 1 - image


Raksha Bandhan: ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકના પર્વ રક્ષાબંધનની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. યમુનાએ યમને રાખડી બાંધી, દ્રૌપદીએ કૃષ્ણને રાખડી બાંધીને રક્ષાના અભયદાન માંગ્યા હતા, એવી યશોભૂમિ ભારતમાં ભાઈ-બહેનની અને બહેન ભાઈની હરહંમેશથી રક્ષા કરતા આવ્યા છે. 21મી સદીમાં પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને એકમેકની દરકાર લેવાના, રક્ષા કરવાના પ્રસંગો આપણી આસપાસ મળી જ આવે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો છે, જ્યાં બહેને ભાઈને કિડની ડોનેટ કરીને નવજીવન આપ્યું છે.

ભાઈ-બહેનનો અનોખો પ્રેમ

ગાંધીનગરમાં રહેતા 50 વર્ષીય કિરણ પટેલ બે વર્ષ પહેલા કિડનીની ગંભીર બીમારીમાં સપડાયા હતા. વિવિધ રિપોર્ટ્સ કરાવ્યા બાદ તબીબોએ કિડની ફેઇલ થવાના સમાચાર આપતાં જ કિરણ પટેલ અને તેમના પરિવારને માથે આભ તૂટી પડયું. ડૉક્ટરો દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. સંસારમાં મુશ્કેલીઓ તાપ વરસાવે ત્યારે સ્વજનોનો સાથ છાંયડારૂપી ઠંડક આપે છે. કિરણ પટેલ માટે પણ ચાર બહેનો આશાનું કિરણ અને રક્ષાનું કવચ બનીને આગળ આવી. તેઓ કિડની ડોનરની રાહ જોઈ રહ્યા હતા અને આ દરમિયાન ડાયાલિસિસની પીડામાંથી પણ પસાર થવું પડી રહ્યું હતું. આ વાતની જાણ તેમની ચાર્રેય મોટી બહેનો થઈ ત્યારે આ તમામ બહેનોએ પોતાના નાનાભાઈને કિડની આપવા ! માટેની રાજીખુશીથી સામેથી તૈયારી દર્શાવી દીધી. જે નાના ભાઈને ઘરના! આંગણામાં તેડી-તેડીને રમાડયો હોય! તે ભાઈ પર આવી અણધારી પીડા આવી પડે ત્યારે બહેનો કેવી રીતે એ સહન કરી લેવાની હતી!

આ પણ વાંચોઃ અમદાવાદમાં વિશાલા-નારોલને જોડતો શાસ્ત્રીબ્રિજ ડેમેજ, 7 મહિના સમારકામ માટે બંધ રહેશે

સૌથી મોટા બહેન કેનેડા હતા તેઓ તરત ભારત આવ્યા અને રિપોર્ટ કરાવ્યા પરંતુ, તેઓની મોટી ઉંમર અને બ્લડ પ્રેશરની તકલીફ હોવાના કારણે તબીબોએ તેમની કિડની લેવાની મંજૂરી આપી નહતી. ત્રીજા નંબરના બહેને રિપોર્ટ્સ કરાવ્યો ત્યારે ખબર પડી કે તેમને તો જન્મજાત એક જ કિડની છે અને ચોથા બહેનને પગમાં તકલીફ હોવાને કારણે તેઓ આંશિક દિવ્યાંગ છે એટલે તેઓને પણ કિડની લઈ શકાય નહીં. અંતે બીજા નંબરના મોટા બહેન સુશીલાબેનની કીડની મેચ થતાની સાથે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બહેન તેના ભાઇનું દુઃખ કઇ રીતે જોઈ શકે?

કિરણભાઈને કિડની આપનારા તેમના 58 વર્ષીય સુશીલાબહેને જણાવ્યું કે, ‘બહેન એના ભાઈનું દુઃખ કેવી રીતે જોઈ શકે? અમને ખબર પડતા જ અમે ચારેય બહેનો કિડની આપવા તૈયાર થઈ ગયા હતા. મારે કિડની આપવાની છે એવું નક્કી થયું ત્યારે મારી સાસરીમાં આખાય પરિવારે મને સપોર્ટ કર્યો છે.' 

આ પણ વાંચોઃ રક્ષાબંધન-બળેવના પવિત્ર પર્વનો ઈતિહાસ 5100 થી વધુ વર્ષ જૂનો, સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્રદાન કરતી દિવ્ય ભાવના

બીજી તરફ કિરણભાઇએ જણાવ્યું કે, 'સુશીલા બહેનની સાથે મારા બનેવી ભુપેન્દ્રભાઈ પણ હંમેશા મારી જોડે આવતા. બહેનના રિપોટ્સ કરાવતી વખતે તેઓ અમને ભાઈ બહેન બંનેને હિંમત આપતા અને સમજાવતા. મારી બહેને મને કિડની આપી તેમાં મારા બનેવીનો પણ એટલો જ સધિયારો- સહકાર જવાબદાર છે.'

છેલ્લા 3 વર્ષમાં 20 બહેનોની કિડનીથી ભાઇને નવજીવન મળ્યું

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી સરકારી કિડની હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે  20 બહેનોએ ભાઈને કિડની આપી છે અને 3 ભાઈઓએ બહેનને કિડની આપીને ભાઈ બહેનના પવિત્ર સંબંધને યથાર્થ બનાવ્યો છે.

Tags :