Gujarat

વિશાળ પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિ.ની કાર્યવાહી, જુહાપુરામા નામચીન શખ્સનાં ૪૦૦૦ચોરસ ફુટ બાંધકામ તોડાયા

By GS Team
22 Feb 20221 min read
This article was originally published on 22 Feb 2022
વિશાળ પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિ.ની કાર્યવાહી, જુહાપુરામા નામચીન શખ્સનાં ૪૦૦૦ચોરસ ફુટ બાંધકામ તોડાયા

  અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ૩૨૦૦ ચોરસ ફુટમાં બાંધવામાં આવેલા તથા ગ્યાસપુરમાં ૮૦૦ ચોરસ ફુટ જગ્યાના ગેરકાયદે બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડયા હતા.આ બાંધકામ બકુખાન ઉર્ફે બક સૈયદખાન પઠાણ અને ઐયુબ રાયખડ નામથી જાણીતાઓના હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મકતમપુરા વોર્ડમાં આવેલા મોજે ફતેહવાડી,સર્વે નંબર-૨૧૮ પૈકીમાં જુહાપુરા વિસ્તારમાં આવેલા નસીમ પાન પાર્લર પાસે નોમનપાર્ક સોસાયટીમાં ગ્રાઉન્ડ ફલોરથી ત્રણ માળ સુધી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યુ હતું.જેને લઈ મ્યુનિ.તંત્રે બી.પી.એમ.સી.એકટ હેઠળ કાર્યવાહી કરતાં બાંધકામ કરનારા તરફથી સીટી સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.કેસનો નિકાલ થતા ૩૨૦૦ ચોરસ ફુટનું ગેરકાયદે બાંધકામ દુર કરવર્મ્યુનિ.એ કાર્યવાહી કરી છે.ગ્યાસપુરમાં રેવન્યુ સર્વે ૨૭૬ પૈકીની જગ્યામાં ૮૦૦ ચોરસ ફુટનું ગેરકાયદેસર બાંધકામ  મળી આશરે ચાર હજાર ચોરસ ફુટના એક રહેણાંક અને ફાર્મ હાઉસ પ્રકારના ગેરકાયદેસર બાંધકામને મ્યુનિ.તંત્રે તોડી પાડયા હતા.

જુહાપુરા વિસ્તારમાં એક પછી એક માથાભારે શખ્સોના ગેરકાયદે બાંધકામો મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રની સંયુક્ત કાર્યવાહીમાં તોડવામાં આવી રહ્યાં છે. સુલતાનખાન ગેંગના ખજાનચી ગણાવાતાં બકુખાન ઉર્ફે બક સૈયદખાન પઠાણનું વૈભવી ત્રણ માળનું ગેરકાયદે બંધાયેલા મકાનનો અમુક ભાગ આજે તોડી પડાયો હતો. ઘોડેસવાર પોલીસ સહિત ૧૦૦ સુરક્ષા જવાનોના કાફલા સાથે ઝોન-૭ ડીસીપી પ્રેમસુખ ડેલુ ખૂદ બંદોબસ્તમાં હાજર રહ્યાં હતાં. બકુખાનના ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી આવતીકાલ, બુધવારે પણ ચાલુ રહેશે.