વપરાયેલા ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ બનાવતું પોર્ટેબલ ડિવાઈસ તૈયાર, એમ.એસ. યુનિ.ના વિજ્ઞાનીઓએ કરી કમાલ
MS University: સરકારે હવે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ શરૂ કરી દીઘું છે. આ જ રીતે 2030 સુધીમાં ડિઝલમાં પણ પાંચ ટકા બાયો ફ્યુઅલ ભેળવવાનું લક્ષ્યાંક મૂકયું છે, જેને ઘ્યાનમાં રાખીને એમ. એસ. યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધકોએ બાયો ડિઝલ બનાવી શકે તેવું પોર્ટેબલ પ્રોડક્શન યુનિટ વિકસાવવામાં સફળતા મળી છે. આ યુનિટ થકી રસોઈ બનાવ્યા બાદ ફેંકી દેવાતા ખાદ્ય તેલમાંથી સરળતાથી બાયો ડિઝલ બનાવી શકાય છે.
આ પણ વાંચોઃ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાં ફરી જામીન અરજી પર સુનાવણી ન થઈ
વિભાગના પ્રોફેસર ડૉ. મેહુલ બાંભણિયા કહે છે કે, ખાદ્ય તેલનો એક જ વખત કોઈ વસ્તુ તળવા માટે ઉપયોગ કરવો જોઈએ. આપણા ઘરોમાં કે પછી રેસ્ટોરા અને હોટલોમાં ઉપયોગમાં લેવાયેલુ ખાદ્ય તેલ મોટાભાગે સાબુ બનાવતી કંપનીઓને વેચી દેવામાં આવે છે. લારીઓની વાત અલગ છે, જ્યાં વારંવાર આવું તેલ ઉપયોગમાં લેવાતું હોય છે. તેને બાદ કરીએ તો પણ દેશમાં દર મહિને લાખો ટન ખાદ્ય તેલ વેસ્ટમાં જાય છે.આ જ તેલનો ઉપયોગ કરીને અમે કેવિટેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાયોડિઝલ બનાવતું યુનિટ વિકસાવ્યું છે. કેવિટેશન ટેકનોલોજીમાં મિથેનોલને ખાદ્ય તેલમાં ઉમેરીને યુનિટમાં દાખલ કરવામાં આવે છે. અત્યંત ઊંચા દબાણ સાથે તેમાં ખાદ્ય તેલ પ્રોસેસ થતું હોવાથી 15થી 20 મિનિટમા ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ છૂટું પડી જાય છે.
ડિઝલની કિંમત 10 રૂપિયા સુધી ઘટી શકે છે
પોર્ટેબલ યુનિટ નાનું હોવાથી રેસ્ટોરા, ધાબા કે હોટલ પોતાના સ્થળ પર જ બાયોડિઝલ બનાવી શકે છે. આ ટેકનિકમાં બાયોડિઝલ બનાવવા માટે પ્રતિ લીટર 60 થી 70 રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાં વપરાયેલા તેલને ખરીદવાની કિંમતનો પણ સમાવેશ થાય છે. તેને ડિઝલમાં ભેળવવામાં આવે તો ડિઝલની કિંમતમાં પ્રતિ લિટર 10 રુપિયા સુધી ઘટાડવી શક્ય છે. ગ્રામ્ય વિસ્તાર માટે આ યુનિટ ખૂબ જ ઉપયોગી છે. તેમાંથી બનેલા બાયો ડિઝલથી ટ્રેકટરમાં કે પછી ખેતરમાં પાણી છોડવા અથવા કૂવામાંથી પાણી કાઢવા માટેના પંપમાં નાંખીને અખતરો કર્યો છે અને તેમાં સફળતા પણ મળી છે. પંપમાં તો 50 ટકા સુધી બાયો ડિઝલ ભેળવ્યું હોવા છતા પંપ સરસ રીતે ચાલે છે. આ યુનિટથી કપાસિયા, સિંગતેલ એમ કોઈ પણ પ્રકારના ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ બનાવી શકાય છે. વપરાયેલા ખાદ્ય તેલમાંથી બનતા બાયોડિઝલની ટકાવારી 90 થી 95 ટકા છે. મતલબ કે 10 લીટર ખાદ્ય તેલમાંથી 9 થી 9.5 લિટર જેટલું બાયો ડિઝલ બની શકે છે. વધેલું તેલ ગ્લિસરોલ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચોઃ HCમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી અંગે વકીલોનો વિરોધ યથાવત, આજે પણ કાર્યવાહી રહેશે બંધ
ડિઝલ એન્જિનમાં 20 ટકા બાયોફ્યુલ ભેળવી શકાય
ડૉ. બાંભાણિયાએ મિકેનિકલ એન્જિનયિરિંગ વિભાગના પ્રોફેસર ડૉ. નિકુલ પટેલની મદદથી ડિઝલ એન્જિન પર આ બાયો ડિઝલનું પરિક્ષણ કર્યું હતું અને તેમનું કહેવું છે કે, ડિઝલમાં 20 ટકા સુધી બાયોડિઝલ ભેળવવાથી કોઈ જાતની પ્રતિકૂળ અસર એન્જિન પર જોવા મળી નથી.
વડોદરામાં જ 10000 ટન ખાદ્ય તેલ ઉપલબ્ધ થઈ શકે
એક અંદાજ અનુસાર, વડોદરા શહેરમાં જ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ ઈન્ડસ્ટ્રી તથા ઘરોમાંથી રોજ 20થી 30 ટન વપરાયેલુ ખાદ્ય તેલ નીકળે છે. આમ વડોદરામાંથી જ દર વર્ષે 10 હજાર ટન જેટલું વપરાયેલું ખાદ્ય તેલ ઉપલબ્ધ થઈ શકે છે. આખા દેશની વાત કરવામાં આવે તો આ આંકડો લાખો ટનમાં થવા જાય છે.