Get The App

HCમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી અંગે વકીલોનો વિરોધ યથાવત, આજે પણ કાર્યવાહી રહેશે બંધ

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
HCમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી અંગે વકીલોનો વિરોધ યથાવત, આજે પણ કાર્યવાહી રહેશે બંધ 1 - image


Gujarat HC Lawyer Protest: ગુજરાત હાઇકોર્ટની રજિસ્ટ્રીના દરેક ખૂણામાં, દરેક ટેબલ, હાઇકોર્ટના કોરિડોર તેમજ અગત્યના સ્થાનો પર સીસીટીવી લગાવવા અંગેનો હુકમ કરનાર અને હાઇકોર્ટ રજિસ્ટ્રીની સિસ્ટમ સામે વકીલોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની પ્રસ્તાવિત બદલીના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન કોર્ટ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ એલાન બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની આ મામલે રચાયેલી વિશેષ કમિટીને તેમની રજૂઆત બાબતે સુપ્રીમ કોર્ટ બોલાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના આમંત્રણને પગલે કમિટીના છ સભ્યો દિલ્હી જવા રવાના પણ થઈ ગયા છે. ગુરૂવારે (28 ઓગસ્ટ) આ મામલે ચીફ જસ્ટિસ સાથે મહત્ત્વની બેઠક યોજાશે.

આ પણ વાંચોઃ સુરતના લોકોની ફરિયાદ હતી સાયકલ સ્ટેન્ડ પરથી દબાણ હટાવવાની, પાલિકાએ સાયકલ સ્ટેન્ડ જ હટાવી દીધું

કોર્ટમાં કામગીરી બંધ

બીજીબાજુ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જયારે સકારાત્મક વલણ દાખવી કમિટીના પ્રતિનિધિમંડળને રૂબરૂ સાંભળવા બોલાવ્યા છે, ત્યારે હવે હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા કોર્ટ કામકાજથી અળગા રહેવાના એલાનને પાછું ખેંચવા બાબતે પણ તાકીદની અસાધારણ સભા બોલાવવામાં આવી હતી. જોકે, આ તમામ વકીલ સભ્યોને હાઇકોર્ટની ન્યાયિક કામગીરીમાં પોતાની વ્યવસાયિક ફરજોમાં જોતરાઈ જવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ, આ અપીલ બાદ પણ વકીલો દ્વારા આજે પણ કોર્ટની કામગીરી બંધી રાખવામાં આવી છે. 

વકીલોને અચોક્કસ મુદતની હડતાળ

સુપ્રીમ કોર્ટે વિવિધ હાઇકોર્ટના જે 14 જજીસની સૂચિત બદલી પ્રસ્તાવિત કરી છે, તેમાં હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ માનવેન્દ્રનાથ રોયનો પણ સમાવેશ થાય છે. જો કે, હાઇકોર્ટની આંતરિક સિસ્ટમ સામે જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીને લઈ ગુજરાતના ન્યાયતંત્રમાં બહુ ઘેરા અને આકરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની એકસ્ટ્રા જનરલ મિટિંગમાં મોટાભાગના વકીલ સભ્યોએ જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો જોરદાર વિરોધ કર્યો હતો અને અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવા ઉગ્ર માંગણી કરી હતી. જેને લઈ આખરે એસોસિએશન દ્વારા કોર્ટ કામકાજથી અળગા રહેવાનું એલાન અપાયું હતું. જેને પગલે બપોર બાદ હાઇકોર્ટમાં રૂટીન કોર્ટ કામગીરી ખોરવાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે

સુપ્રીમ કોર્ટમાં CJI સાથે રૂબરૂ મુલાકાત

આ દરમિયાન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી તરફથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈના પર્સનલ સેક્રેટરીને ફોન કરી તેમની રૂબરૂ મુલાકાત માટે સમય માંગવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં ચીફ જસ્ટિસ તરફથી હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની વિશેષ કમિટી કે જેમાં છ સભ્યોનો સમાવેશ કરાયો છે, તે પ્રતિનિધિમંડળને  રૂબરૂ મળવા માટે દિલ્હી આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને પગલે એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી, સિનિયર એડવોકેટ અસીમ પંડયા, ભાર્ગવ ભટ્ટ, એડવોકેટ બી. એમ. મંગુકીયા સહિતના છ સભ્યો દિલ્હી જવા રવાના થઈ ગયા છે.

Tags :