AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાં ફરી જામીન અરજી પર સુનાવણી ન થઈ
Chaitar Vasava Case: દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. ત્યારે ફરી ચૈતરની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે, આજે (28મી ઓગસ્ટ) હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવાની હતી. પરંતુ તે થઈ શકી નહોતી.
હાઈકોર્ટમાં વકીલોની હડતાળ
મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઇકોર્ટમાં ગુરૂવારે (28મી ઓગસ્ટઃ ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. પરંતુ હાઈકોર્ટના વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી અળગા રહેશે. જેના કારણે આજે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થશે નહીં.
આ પણ વાંચો: ગુજરાતમાં દરરોજ સરેરાશ 475 વ્યક્તિને વાહન અકસ્માતની ઘટનામાં ઈજા, અમદાવાદમાં સૌથી વધુ
શું છે સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.