Gujarat

વેરાવળ બંદરે ફસાયેલા 4000 થી વધુ માછીમારો વતન આંધ્રપ્રદેશ જવા રવાના

By GS Team
28 Apr 20202 mins read
This article was originally published on 28 Apr 2020
વેરાવળ બંદરે ફસાયેલા 4000 થી વધુ માછીમારો વતન આંધ્રપ્રદેશ જવા રવાના

વેરાવળ, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે, ત્યારે એક મહિનાથી વેરાવળ બંદરે ફસાયેલા આંધ્રપ્રદેશના ૪૦૦૦ થી વધુ ખલાસીઓને તેમના વતન મોકલવા માટે મંજૂરી મળતા અંતે આજે ૫૦ થી વધુ ખાનગી બસ મારફતે રવાના કરાયા હતા. આંધ્રપ્રદેશના ખલાસીઓને તેમના વતન જવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત બંને રાજ્ય સરકારના સંપર્કમાં રહી જરૂરી રિપોટ મોકલ્યા હતા. અંતે ગુજરાત સરકાર અને આંધ્રપ્રદેશ સરકારની મંજૂરી મળી ગયા બાદ ખલાસીઓને તેમના વતન રવાના કરવામાં આવતા હાથમાં તિરંગા સાથે મુખ પર ખુશી છવાઈ હતી.

વેરાવળ બંદરમાં ૬૧૦ ફિશીંગ બોટમાં ફિશીંગ કરવા માટે આવેલા આંધ્રપ્રદેશના ૪૦૦૦ થી વધુ ખલાસીઓ લોકડાઉનના કારણે વેરાવળ બંદરે ફસાયેલા હતા. તેઓને તેમના વતન આંધ્રપ્રદેશ મોકલી આપવા માટે સરકાર દ્વારા મંજૂરી મળી જતાં તેમને વતન રવાના કરાયા છે. આ તમામ ખલાસીઓને બોટમાં ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા હતા. તેઓને વહીવટીતંત્ર અને સામાજીક સંસ્થાના સહયોગથી અનાજ કીટ અને ભોજન આપવામાં આવ્યું હતું. આ તમામ ખલાસીઓની તા.૧૦ અને ૧૧ એપ્રિલ, તા.૨૨ એપ્રિલ અને તા.૨૮ એપ્રિલના રોજ આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરના ૨ એમબીબીએસ ડોક્ટર ૧૨ આરબીએસકે ડોકટર, બે ફાર્માસીસ્ટ, ૭ પેરા મેડીકલ સ્ટાફ દ્વારા આરોગ્ય તપાસ કરી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા ન હતા.

પરિણામે આજે કલેક્ટર અજયપ્રકાશે લીલીઝંડી આપી હતી. ૫૦ થી વધુ ખાનગી સ્લિપર બસને સેનેટાઈઝ કરી સામાજીક અંતર રાખી ખલાસીઓને તેમના વતન રવાના કરવામાં આવ્યા છે. એક બસમાં બે ડ્રાઈવર અને બે ખલાસીઓને મોનીટરની જવાબારી સોંપવામાં આવી છે. બસમાં મુસાફરી દરમ્યાન ખલાસીઓ માટે પાણી, નાસ્તો અને જમવાની સુવિધા રાખવામાં આવી છે. બે દિવસની મુસાફરી બાદ ખલાસીઓ તેમના વતન પહોંચશે. વહીવટીતંત્ર, માછીમાર સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓનો આભાર માની ખલાસીઓએ વંદન કર્યા હતા.

હવે વહેલાસર ઘરે પહોંચીને કુટુંબ-પરિવાર સાથે રહેશું

વેરાવળ ખાતેથી આજે તેમના વતન આંધ્રપ્રદેશ રવાના થતાં ખલાસીઓએ જણાવ્યું હતું કે, વેરાવળ બંદરે ફિશિંગ કરવા માટે આવ્યા હતા. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકડાઉન થતાં અહિંયા ફસાઈ ગયા હતા. છેલ્લા ૧ માસથી વધુ સમયથી વેરાવળ બંદર ખાતે રહેતા હતા. રહેવા, ભોજનની સુવિધા આપવામાં આવી હતી. ગુજરાત સરકારે વતન જવા મંજૂરી આપી વાહનની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર અને માછીમાર સમાજના સહયોગથી ઘરે વહેલાસર પહોંચી જશું, કુટુંબ પરિવાર સાથે રહેશું.