મોરબીથી ગાંધીનગર સુધી નેતાઓની 'નૌટંકી'નો અંત, 'વિકાસ'ની રાજનીતિ ભૂલાઈ અને નાગરિકોને ખો
Kanti Amrutia Political Explainer: છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઉપાડો લીધો હતો. એકબીજાને સામે પડકારો ફેંકાતા હતા. બડાશ હાંકતા શૂરાતનભર્યા વીડિયો અપલોડ કરી રાજકારણમાં અને નાગરિકોની નજરે ચઢવાના હવાતિયા મરાતા હતા. પરંતુ અંતે રાજીનામા માટે પહેલે આપ... પહેલે આપ... વાળી થઇ. આજે ગુજરાતના રાજકારણ માટે શરમજનક ઘટનાક્રમ સર્જાયો. જેમાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો ભૂલીને રાજકીય સ્ટંટમાં મસ્ત બન્યા.
ત્યારે આવો જાણીએ શરૂઆતથી લઇને અત્યાર સુધી ચેલેન્જ વોરમાં શું-શું થયું.
100 કારના કાફલાનું શક્તિ પ્રદર્શન, આખરે સૂરસૂરિયું
અઠવાડિયાથી ચાલી રહેલા ચેલેન્જ વોરના પગલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 100થી વધુ કારના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. ત્યાં વાજતે-ગાજતે ઢોલ નગારા સાથે નાટકો થયા. એટલે કે મોરબીથી ગાંધીનગર સુધી નાટક જ નાટક જોવા મળ્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્પષ્ટ કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવાના નથી. આમ છતાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા 12:30 વાગ્યા સુધી રાહ જોઇ રાજીનામાના ધતિંગ કર્યા અને ત્યારબાદ ત્યાંથી ચાલતી પકડી.
Explainer: ઈટાલિયાને ફસાવવાનો ભાજપનો 'ગેમ પ્લાન' કે AAPને નબળી પાડવાનો કારસો?
કાંતિ અમૃતિયાની શો બાજી, પ્રજાને મૂર્ખ બનાવવાનું બંધ કરો
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 100 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા, જ્યાં સમર્થકો તેમના સમર્થનમાં બેનરો સાથે શક્તિ પ્રદર્શન માટે તૈયાર હતા. આ માત્ર શો બાજી રાજકીય સ્ટંટ સિવાય બીજું કશું જ ન હતું. કારણ કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિધાનસભા અધ્યક્ષને મળવાનો સમય લીધો ન હતો. બીજી તરફ ગોપાલ ઇટાલિયા તો રાજીનામું આપે જ કેવી રીતે? ઇટાલિયા વિસાવદરથી જીત્યા છે પરંતુ હજુ તેમની શપથવિધિ બાકી છે. ટૂંકમાં આ નેતાઓને એટલું જ કહેવાનું કે, પ્રજાને મૂર્ખ બનાવવાનું બંધ કરો.
2 કરોડ ગોપાલ ઇટાલિયાને નહીં, પ્રજાહિતમાં વાપરો
ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે 'જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.' અમૃતિયાએ 2 કરોડ અને ચૂંટણી લડવાનો મમરો મૂકી રાજકારણ શરૂ કર્યું. જો કાંતિ અમૃતિયા પ્રજાનું હિત અને વિકાસની રાજનીતિ ઇચ્છતા હોત, તો તેમણે 2 કરોડ રૂપિયા પ્રજાહિતમાં વાપરવાની ચેલેન્જ આપી હોત.
આમ, ધારાસભ્યોની વટની લડાઇમાં આમ જનતાનો મરો થઇ રહ્યો છે. પ્રજા વટની નહી પણ વિકાસની રાજનીતિ ઇચ્છે છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલા રાજીનામા વોરના લીધે આમ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકીય લડાઇમાં આમ જનતાના પાયા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. પાણી, રોડ, રસ્તા જેવા પ્રશ્નોની જનતા પીડાઇ રહી છે, પ્રજાના કરોડો રૂપિયાનો ધૂમાડો કરી ચૂંટણી યોજવામાં આવે છે અને હવે રાજીનામા ધરવાની વાતો કરી રહ્યા છે. રાજીનામા આપવાની નહી પણ કામો કરવાની ચેલેન્જ આપો. જેથી પ્રજાનું ભલુ થાય. એટલે જ સામાન્ય નાગરિકો ચર્ચા કરી રહ્યા છે કે, નેતાજીએ 2 કરોડ રૂપિયા રોડ પડેલા ખાડા પૂરવા, પાણી નિકાલ સહિત વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે વાપરવાની જાહેરાત કરવી જોઇતી હતી.
આ પણ વાંચો: રાજીનામાના નાટકનું સૂરસૂરિયું: કાંતિ અમૃતિયા વિધાનસભાથી નીકળ્યા, ગોપાલ ઇટાલિયા ફરક્યા જ નહીં
મોરબીમાં વિકાસકામોની ખાતરી, પરંતુ પરિણામ શૂન્ય
મોરબીમાં ભાજપે આશરે 30 વર્ષ શાસન કર્યું છે. તેથી મોરબીના લોકો દુર્દશા માટે કાંતિ અમૃતિયાને જ જવાબદાર ઠેરવે છે. જેમ કે, કાંતિ અમૃતિયા 1995થી 2017 સુધી મોરબી વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા અને 2022માં પેટા ચૂંટણીમાં પણ ફરી ચૂંટાયા હતા. આ રીતે, તેમનો કુલ કાર્યકાળ 30 વર્ષનો છે. જો કે, વચ્ચે અમુક વર્ષ તેઓ ધારાસભ્ય નહોતા. આમ છતાં, એવું તો કહી જ શકાય કે આ બેઠક ભાજપનો ગઢ છે. નોંધનીય છે કે, મોરબી બેઠકની 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના બ્રિજેશ મેરજા જીત્યા હતા, જે બાદમાં ભાજપમાં જોડાયા હતા અને બાદમાં પેટા ચૂંટણી યોજાઈ હતી.
પ્રાથમિક સુવિધાઓની કથળતી જતી સ્થિતિને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હજુ પણ મોરબીના લોકો સ્ટ્રીટ લાઈટ, ટ્રાફિક સમસ્યા, રખડતાં ઢોર, રોડ-રસ્તા, ગટર અને સફાઈના સહિતના પ્રશ્નોથી પીડાય છે. ચોમાસામાં તો સ્થિતિ વધુ દયનીય બને છે કારણ કે, ઠેર ઠેર પાણીનો ભરાવો, ખાડા પડી જવા, ગટરો ઉભરાઈ જવી અને છેવટે મચ્છરોનો ઉપદ્રવ.
હજુ એક મહિના અગાઉ કાંતિ અમૃતિયાએ ખાતરી આપી હતી કે ‘આગામી છ મહિનામાં મોરબીમાં મોટા ભાગના કામો પૂરા થઈ જશે. ધારાસભ્ય તરીકે લોકોને મુશ્કેલી ન પડે એ મારી જવાબદારી છે. તમામ વિસ્તારોમાં રોડ રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓના કામ થઇ જશે.’
શું હતો મામલો, કેવી રીતે શરૂ થયું ચેલેન્જ વોર?
મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પડકાર ફેંકતાં કહ્યું હતું કે 'જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.' બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં રાજીનામાની શરત મૂકી હતી.
આ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોંઢે સ્વીકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ઇટાલિયાએ કહ્યું હતું કે ‘મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યની ચેલેન્જને અમે રાજીખુશીથી સ્વીકારીએ છીએ. શૂર બોલ્યા ન ફરે. જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ... તો આજે 10 તારીખ થઇ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે.’
'પાટીલ અંકલને પૂછ્યા વિના રાજીનામું આપી દો'
આ અંગે ઈટાલિયાએ એક શરતની વાત કરતા કહ્યું કે, ‘મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ના જતા. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઇ ગયું છે, હવે હું રાજીનામું આપુ કે ન આપું. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નઇ. પાટીલને પૂછ્યા વગર જ તમારા તમારામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેજો.’
આ વીડિયોમાં વધુ વાત કરતા ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ‘મોરબીની જનતા જાગૃત થઇ એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં ગરમ તેલ રેડાયું છે. અત્યાર સુધી મોરબી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી, તો કોઇને તકલીફ ન હતી. પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા, પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાને લઇને આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું, તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30-30 વર્ષ સુધી આ જ જનતાએ તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી અને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો પણ હવે એ જ જનતા પાણી, રોડ, રસ્તા મુદ્દે સવાલ કરે તો તમને ગમતું નથી.’
ગોપાલ ઇટાલિયાના પડકારનો જવાબ
ઉલ્લેખનીય છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આવતા સોમવારે તમે આવો. તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. ચૂંટણી આવે એટલે આપણે બંનેએ સામસામે લડવાનું. અને જો હું હારું તો તમને 2 કરોડ આપવાના. આખા ગુજરાતમાં વિસાવદરની એક સીટ આવી એમાં આપના કાર્યકર્તાઓએ મોટો ઉપાડો લઈ લીધો છે. એક સીટમાં જ ઉશ્કેરવાના ધંધા અને જેમ તેમ બોલવાનું શરૂ કર્યું છે.’
ખેર, આ બધું જ નૌટંકીથી વિશેષ કંઈ નથી, એ સામાન્ય લોકો પણ સમજતા હોવાની ગાંધીનગર જ નહીં, સામાન્ય લોકોમાં પણ ચર્ચા થઈ રહી છે.