રાજીનામાના નાટકનું સૂરસૂરિયું: કાંતિ અમૃતિયા વિધાનસભાથી નીકળ્યા, ગોપાલ ઇટાલિયા ફરક્યા જ નહીં
Kanti Amrutia Vs Gopal Italia : ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે. ત્યારે કાંતિ અમૃતિયા 100 જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભાથી નીકળી ગયા હતા. આ ઘટનાક્રમને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભા પહોંચ્યા હતા. અંતે રાજીનામાના નાટકનો અંત થયો હતો. આજનો દિવસ ગુજરાતના રાજકારણ માટે શરમજનક ગણી શકાય. કારણ કે ઘણા દિવસોથી ચેલેન્જ વોર ચાલી રહ્યું હોવા છતાં અંતે નેતાઓ પાણીમાં બેસી ગયા હતા. કાંતિ અમૃતિયાએ વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી. ત્યારે હવે વગર ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગોપાલ ઇટાલિયાના રાજીનામાનો સવાલ જ નથી : ઇસુદાન ગઢવી
ચેલેન્જ વોર વચ્ચે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 'હું વિસાવદરની જનતાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયા હાલ મજબૂતાઇથી કામ કરી રહ્યા છે અને ગામડે-ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઈના રાજીનામાની વાત જ થઈ ન હતી, ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ વિસાવદરની જનતા માટે મજબૂતાઈથી કામ કરશે. ગોપાલભાઈ ઇટાલિયા કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં.
...તો જ કાંતિ અમૃતિયા રાજીનામું આપશે
તો બીજી તરફ કાંતિ અમૃતિયાએ શરત મૂકી હતી કે જો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગાંધીનગર આવશે તો જ તે રાજીનામું આપશે. જો ગોપાલ ઇટાલિયા હાજર રહેશે નહીં તો, કાંતિ અમૃતિયા રાજીનામું નહીં આપે. કાંતિ અમૃતિયાના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાવ્યો હતો.
આ પણ વાંચો: બોટાદમાં મોટી દુર્ઘટના, કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ, બેના દુઃખદ મોત
પ્રજા વટની નહીં પણ વિકાસની રાજનીતિ ઇચ્છે છે
કાંતિ અમૃતિયા વિધાનસભામાં પોતાના સમર્થકો સાથે બેઠા હતા. જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ હતી. જોકે તે ન આવ્યા. આ દરમિયાન કાંતિ અમૃતિયાનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોની વટની લડાઈમાં આમ જનતાનો મરો થઈ રહ્યો છે. પ્રજા વટની નહીં પણ વિકાસની રાજનીતિ ઇચ્છે છે.
સોશિયલ મીડિયામાં ચાલી રહેલા રાજીનામા વોરના લીધે આમ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકીય લડાઇમાં આમ જનતાના પાયા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. પાણી, રોડ, રસ્તા જેવા પ્રશ્નોથી જનતા પીડાઈ રહી છે, પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચૂંટણી યોજવામાં આવે છે અને હવે રાજીનામા ધરવાની વાતો કરી રહ્યા છે. રાજીનામા આપવાની નહીં પણ કામો કરવાની ચેલેન્જ આપો. જેથી પ્રજાનું ભલું થાય.
શું હતો સમગ્ર મામલો, કેવી રીતે શરુ થઈ ચેલેન્જ વોર
મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે 'જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે ! જો હું હારી જઈશ તો 2 કરોડ રૂપિયા આપીશ.' તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં રાજીનામાની શરત મૂકી હતી.
ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતા મોઢે સ્વીકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મેં ગઈકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઈશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઈએ છીએ. શૂરા બોલ્યા ન ફરે... જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ... તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે.
'પાટીલ અંકલને પૂછ્યા વિના રાજીનામું આપી દો'
આ અંગે ઇટાલિયાએ એક શરતની વાત કરતાં કહ્યું કે, ‘મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ના જતા. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હવે હું રાજીનામું આપું કે ન આપું. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તમારા તમારામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેજો.’
ગોપાલ ઇટાલિયાએ વીડિયોમાં વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘મોરબીની જનતા જાગૃત થઈ એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં ગરમ તેલ રેડાયું છે. અત્યાર સુધી મોરબી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી, તો કોઈને તકલીફ ન હતી. પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા,પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાને લઈને આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30-30 વર્ષ સુધી આ જ જનતાએ તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી અને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો પણ હવે એ જ જનતા પાણી, રોડ, રસ્તા મુદ્દે સવાલ કરે તો તમને ગમતું નથી.’
ગોપાલ ઇટાલિયાના પડકારનો જવાબ
ઉલ્લેખનીય છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આવતા સોમવારે તમે આવો. તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. ચૂંટણી આવે એટલે આપણે બંનેએ સામસામે લડવાનું. અને જો હું હારું તો તમને 2 કરોડ આપવાના. આખા ગુજરાતમાં વિસાવદરની એક સીટ આવી એમાં આપના કાર્યકર્તાઓએ મોટો ઉપાડો લઈ લીધો છે. એક સીટમાં જ ઉશ્કેરવાના ધંધા અને જેમ તેમ બોલવાનું શરુ કર્યું છે.’