Get The App

ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી 1 - image


Sabarkantha News: ખેડૂતના લાભ મેળવવા ભાજપના પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરાની વધુ એક કરતૂત સામે આવી છે. ભળતા નામનો લાભ મેળવી ખોટા દસ્તાવેજો આધારે ખોટા ખેડૂત બની બેઠેલાં ધારાસભ્ય રમણ વોરાએ મતવિસ્તાર ઈડર નજીક દાવડ ગામમાં ય ખેતીની જમીનો ખરીદી છે. આ ખેતીની જમીનોના પુરાવા ન આપતાં એક અરજદારે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આ અરજદારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી રજૂઆત કરી છે કે,'ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ધારાસભ્ય રમણ વોરા સામે ફોજદારી રાહે પગલાં ભરો.' 

ઈડર નાયબ કલેક્ટર-મામલતદાર અરજદારને રમણ વોરાના જમીનના પુરાવા જ આપતા નથી

ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ પોતાના અને પિતાના ભળતા નામે ખેડૂત ખરાઈનો દાખલો મેળવી લીધો છે. આ ખોટા ખેડૂતના દાખલા આધારે ધારાસભ્ય વોરાએ ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતાં રમણભાઈ ઇશ્વરના નામે ખેડૂત ખરાઈના દાખલો મેળવી લેવાયો છે. જેમાં વોરા અટકનો ઉલ્લેખ જ કરાયો નથી. રમણ વોરાએ પાલેજની ખેતીની જમીન પોતાના અંગત માણસને વેચી દીધી હતી. આ જ જમીન એનએ કરીને ફરી રમણ વોરાના પુત્રોના નામે આ જમીન કરી દેવાઇ હતી જેની આજે કરોડોની કિંમત અંદાજવામાં આવી રહી છે. 

ખોટા ખેડૂત ખરાઈના દાખલા આધારે ધારાસભ્ય રમણ વોરાએ ઈડર તાલુકાના દાવડ ગામની સીમમાં સર્વે.નેબર 584, 549, 551 અને 581ની જમીન ખરીદી હતી. અરજદાર રાજેન્દ્રકુમાર પટેલે આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્ય બિનખેડૂત હોવા છતાંય ખોટા દસ્તાવેજો આધારે દાવડમાં 8 હેક્ટર ખેતીની જમીનો ખરીદી છે. રાજકીય દબાણને કારણે ઈડર નાયબ કલેક્ટર અને મામલતદાર ધારાસભ્ય રમણ વોરાની ખેતીની જમીનોના દાખલા ઉપરાંત ખેડૂત ખાતેદારની માહિતી જ આપતાં નથી. આખરે અરજદારે આત્મવિલોપન કરવા ચીમકી ઉચ્ચારી છે. અરજદારે માંગ કરી છે કે, 'ધારાસભ્ય સામે ગણોતધારા કલમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. ફોજદારી રાહે પગલાં ભરી દંડ ફટકારો. આ ઉપરાંત ખેતીની બધીય જમીનો સરકાર હસ્તક લો.' 

આ પણ વાંચો: વરસાદ ખેંચાતા માઠા સમાચાર, ગુજરાતના 68 જળાશયો હજુ અડધા પણ નથી ભરાયા

અરજદારની આત્મવિલોપનની ફરિયાદ બાદ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યુ છે. જિલ્લા ક્લેક્ટરે આ મામલે નાયબ કલેક્ટરને કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ તરફ રાજ્ય મહેસૂલ વિભાગે ઈડર મામલતદારની બદલી સુદ્ધાં કરી દીધી છે. ખોટી રીતે ખેડૂત બનેલાં ધારાસભ્ય સામે ભાજપના સ્થાનિક કાર્યકરો શિંગડા ભેરવતાં રાજકારણ ગરમાયુ છે. 

પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરા સામે મોરચો માંડ્યો 

એક સમયના સાથી ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરા સામે મોરચો માંડ્યો છે. પૂનમ મકવાણાએ પણ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખીને રમણ વોરાની પાલેજની જમીનને લઇને પુરાવા માંગ્યાં છે. કલેક્ટરે ઘાટલોડિયા મામલતદાર પાસે ખેડૂત ખાતેદારની વિગતો માંગી છે તે જોતાં આગામી દિવસોમાં રમણ વોરાની મુશ્કેલી વધી શકે તેમ છે કેમકે, ભળતા નામે અટકનો ઉલ્લેખ કર્યા વિના ખેડૂત ખાતેદારનો દાખલો મેળવી રમણ વોરાએ કરોડોની ખેતીની જમીનો ખરીદી છે. ઉલ્લેખનીય છે કે, રમણ વોરા સામે છેક પીએમઓ સુધી ફરિયાદો પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Tags :