વરસાદ ખેંચાતા માઠા સમાચાર, ગુજરાતના 68 જળાશયો હજુ અડધા પણ નથી ભરાયા
Rainfall in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે 206 જળાશયોમાં સરેરાશ 69.56 ટકા જળસ્તર નોંધાયું છે. હાલ 28 જળાશયો 100 ટકા ભરાયેલા છે. હજુ 68 જળાશયો એવા છે, જે 50 ટકા પણ ભરાયા નથી.
સરદાર સરોવરમાં 76.06 ટકા જળસ્તર
પ્રાપ્ત માહિતી અનુસાર, 49 જળાશયોમાં 90 ટકાથી વધુ ભરાયેલા હોવાથી હાઈ ઍલર્ટ, 21 જળાશયો ઍલર્ટ જ્યારે 28 જળાશયો વોર્નિંગ હેઠળ છે. સૌરાષ્ટ્રના 141માંથી 15, દક્ષિણ ગુજરાતના 13માંથી 8, મધ્ય ગુજરાતના 17માંથી 4 અને કચ્છના 20માંથી 3 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. ઉત્તર ગુજરાતના 15માંથી હાલ એકપણ જળાશય સંપૂર્ણ ભરાયો નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં વિશાલા-નારોલને જોડતો શાસ્ત્રીબ્રિજ ડેમેજ, 7 મહિના સમારકામ માટે બંધ રહેશે
જળસ્તર 10 ટકાથી ઓછું હોય તેવા 11 જળાશયો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના સાની, જામનગરના ઉંડ-2-ફોફલ-2, જૂનાગઢના પ્રેમપરા-ઓઝત-વ્રજમી, ભાવનગરના લાખાંકા, મોરબીના ભાંગવાડી, સાબરકાંઠાના જવાનપુરા, રાજકોટના ગોંડાલી-વેરીનો સમાવેશ થાય છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 76.06 ટકા જળસંગ્રહ છે. પહેલી ઓગસ્ટના ગુજરાતમાં સરેરાશ 73.19 ટકા જળસ્તર હતું. આમ આ સપ્તાહમાં વરસાદ નહીં પડતાં જળસ્તરમાં સાધારણ ઘટાડો નોંધાયો છે.