Gujarat

વડોદરા: ગુમ યુવતી પ્રેમી સાથે પોલીસ મથકે હાજર થતાં યુવતીના પરિવારજનોના ટોળાએ હોબાળો મચાવ્યો

By GS Team
21 Jan 20222 mins read
This article was originally published on 21 Jan 2022
વડોદરા: ગુમ યુવતી પ્રેમી સાથે પોલીસ મથકે હાજર થતાં યુવતીના પરિવારજનોના ટોળાએ હોબાળો મચાવ્યો

- પ્રેમીને સહી-સલામત બહાર લઈ જતી પોલીસવાનનો ઘેરાવો કરી પોલીસ કર્મીઓને અપશબ્દો ભાંડયા, 11ની ધરપકડ

ગઇકાલે મોડી રાત્રે ગુમ યુવતી પ્રેમી સાથે નિવેદન હેતુ વડોદરાના ગોત્રી પોલીસ મથકે હાજર થતાં યુવતીના પરિવારજનો સહિતના ટોળાએ ભારે તોફાન મચાવ્યું હતું. ટોળાએ પોલીસ મથકની બહાર હોબાળો મચાવી પ્રેમીને સહી-સલામત બહાર લઈ જતી પોલીસવાનનો ઘેરાવો કરી પોલીસ કર્મીઓને અપશબ્દો સરકારી કામગીરીમાં રુકાવટ ઊભી કરનાર 11 શખ્સોની પોલીસે રાયોટિંગના ગુનામાં ધરપકડ કરી હતી.

ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે  ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી યુવતી ગુમ થવા અંગેની અરજીના સંદર્ભે ગુમ યુવતી અને તેનો પ્રેમી નિવેદન હેતુ હાજર થતા યુવતીના માતા-પિતા તેમજ અન્ય સગા-સંબંધીઓ સહિતનું 20 થી 25 વ્યક્તિઓનું ટોળું ધસી આવ્યું હતું. ત્યારબાદ મોડીરાત્રે એકત્ર થયેલા વ્યક્તિઓએ શોર મચાવી પ્રેમી યુવકને માર મારવાની તથા યુવતીને પરત ઘરે લઈ જવાની ધમકી આપતા પોલીસે ટોળાને વિખેરવા ની કામગીરી કરી હતી. પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે, યુવતી માતા-પિતાને મળવા માંગતી નથી તેમજ પોતાની મરજીથી પ્રેમી સાથે જવા માંગે છે. અને યુવકને પોલીસવાનમાં બેસાડી રવાના કરવાની તજવીજ સમયે ટોળાં પૈકીના કેટલાક શખ્સોએ પોલીસવાન આગળ સુઈ જઇ તથા ગાડીનો ઘેરાવો કરી રુકાવટ ઊભી કરી હતી. પોલીસે સમજાવવાનો પ્રયાસ કરતાં કેટલાક શખ્સોએ પી.એસ.આઈ સહિતના પોલીસકર્મીઓને અપશબ્દો બોલી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. પોલીસ એકસનમાં આવતા ટોળાં પૈકીના 11 શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં કાલુરામ સોનારામ સુથાર, ભોમારામ જગદીશભાઈ સુથાર, રમેશભાઈ  ધનારામ સુથાર, સચિન કાલુરામ સુથાર,  સત્યનારાયણ સોન રામ સુથાર, હનુમાનરામ ચોથારામ સુથાર, ઓમપ્રકાશ હરિરામ સુથાર, ચેનારામ ચોથારામ સુથાર, છગનભાઈ લાલારામજી પ્રજાપતિ, રાજેન્દ્ર ખુંમારરામ પ્રજાપતિ અને જગદીશ છગનલાલ પ્રજાપતિનો સમાવેશ થાય છે. ઘટના સમયે સ્થળ ઉપર ફોરચુનર કાર તથા ત્રણ બાઈક મૂકી નાસી છુટનાર  વોન્ટેડ શખ્સોના સગડ મેળવવા પોલીસે આરોપીઓની પૂછતાછ હાથ ધરી વાહનો કબ્જે કર્યા હતા.