Gujarat

જામનગરના ધુતારપર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની 8 માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું

By GS TEAM
18 Mar 20262 mins read
TukuTouch Logo
ચારિત્ર્યની શંકા બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતાં પતિને મનમાં લાગી આવવાથી માસુમ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી દીધુ : પોલીસે પુત્રીની હત્યા કરનાર પિતા સામે ગુન્હો નોંધ્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ધુતારપર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની 8 માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું

Jamnagar : જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં ગઈકાલે ભારે કરુણાજનક કિસ્સો બન્યો છે. પ્રેમ લગ્ન કરનાર એક દંપત્તિ વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પ્રેમીએ પોતાની આઠ માસની પુત્રીને સાથે રાખીને વાડીના કૂવામાં ઝંપલાવી દીધું હતું, જેથી પિતા-પુત્રી બન્નેના મૃત્યુ નીપજતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ છે. પોલીસે પિતા સામે પુત્રીની હત્યા નીપજાવવા અંગે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલ ધૂતારપર ગામમાં એક ખેડૂતની વાડીમાં આંટો દેવા આવેલા અકલેશભાઈ શંભુભાઈ નામના 21 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાની માત્ર આઠ માસની પુત્રી દેવિકાને સાથે રાખીને વાડીના કૂવામાં ઝંપલાવી દીધું જેથી પિતા પુત્રી બંનેના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજતાં ભારે ગમગીની ફેલાઈ હતી.

મૃતક યુવાનની પત્ની દુર્ગાબેન અકલેશભાઈએ પોલીસને જાણ કરતા પંચકોશી એ.ડિવિઝનના પી.આઇ તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પિતા પુત્રીના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. પોલીસમાં જાહેર થયા અનુસાર ફરિયાદી દુર્ગા દેવી કે જેના આજથી બે વર્ષ પહેલા અકલેશ સાથે પ્રેમ લગ્ન થયા હતા, અને જામનગર તેમજ  દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ અલગ વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતા હતા. દરમિયાન હોળીના તહેવારના દિવસે પતિ પત્ની બંને વચ્ચે ઝઘડો થયો હતો, પતિ ચારિત્ર્યાની શંકા કરતો હોવાથી દુર્ગાબેન કે જે જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં રહેતા ખેડૂત પોપટભાઈ નારણભાઈની વાડીમાં તેની માતા મજૂરી કામ કરે છે, જ્યાં માતા સાથે રહેવા લાગી હતી, અને પોતાની પુત્રી દેવિકાને પણ સાથે લઈને આવી ગઈ હતી.

જ્યાં ગઈકાલે પતિ અકલેશભાઈ પહોંચ્યો હતો, અને ફરીથી બંને વચ્ચૅ ઝગડો થયો હતો, અને પ્રેમી અકલેશે પોતાની પુત્રી દેવિકાને સાથે રાખી વાડીના કૂવામાં ઝંપલાવી દીધુ હતું, જેથી બન્નેના મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર મામલામાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે અને દુર્ગાબેનની ફરિયાદના આધારે તેની પુત્રીની હત્યા નિપજાવવા અંગે પતિ અકલેશભાઈ સામે ગુનો નોંધ્યો છે.