મનરેગામાં ગુણવત્તા વગરના કામો થયા, અમારા લોકોની એજન્સીની તપાસ થવી જોઈએ: મનસુખ વસાવા
Mgnrega scam in Narmada : નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અહલ્યા બાઈ હોલકરની 300મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડ મુદ્દે નિવેદન આપ્યું હતું અને ચૈતર વસાવાને આડેહાથ લીધા હતા. મનસુખ વસાવાએ સ્વિકાર્યું હતું કે ઘણી જગ્યાએ મનરેગામાં ગુણવત્તા વગરના કામ થયા છે. પહેલાની સરકારમાં પેપર પર કામ થતા હતા. આજની સરકારમાં કામો થાય છે ચોક્કસ ગુણવત્તા નથી જળવાતી એ સ્વીકારું છું. કેટલીક એજન્સીઓ ઓછા ભાવે ટેન્ડર ભરે છે અને કામમાં પણ કાળજી રાખતા નથી.
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સ્વાર્થ માટે ભાજપમાં
અમારા લોકોની જે પણ એજન્સીઓ હોઈ અને તે એજન્સીએ પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેની પણ તપાસ થવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે મનરેગા ટેન્ડર પ્રક્રિયામાં સુધારો થવો જોઈએ. આપણે ભાજપને કોંગ્રેસના હવાલે સોંપી દેવું છે, નાના મોટા કોન્ટ્રાક્ટના કામોમાં આપણને કોંગ્રેસીઓ જ દેખાય છે. જે કોંગ્રેસીઓ ભાજપમાં આવ્યા છે એ પોતાની સંસ્થા બચાવવા અને કામો કરવા માટે આવ્યા છે. ભાજપનો કોઈ કાર્યકર્તા બિઝનેસ કરે તેને સમર્થન છે.
આ પણ વાંચો: દાહોદ બાદ ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડની નોંધાઈ ફરિયાદ, 56 ગામોમાં રૂ. 7.30 કરોડનો ભ્રષ્ટાચાર
આપણા સરપંચો ભ્રષ્ટ હોય તો કોને કહેવું: મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ અફસોસ સાથે કહ્યું કે 'આપણા સરપંચે બનાવેલો રસ્તો 6 મહિના માં તૂટી જાય તો આપણે કોના પર આક્ષેપ કરવાના? મનરેગામાં કૌભાંડ નીકળે અને આપણા કાર્યકર્તા ઇનવોલ્વ હોય. મોદી સાહેબને બધી ખબર છે. કઈ લોકસભામાં શુ કામો થાય છે અને કંઈ ગરબડ હોઈ તો અમારી ધૂળ કાઢી નાખે છે. અમે ભાજપ ઉભું કર્યું છે અને આજકાલના નેતાઓએ વેઠ્યું નથી. તે સમયે કોંગ્રેસના નેતાઓએ માથા ફોડ્યા છે અને આજે કોંગ્રેસના નેતાઓ આપણા પર હાવી થાય છે.
ચૈતર વસાવાના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે
નર્મદા જિલ્લામાં 400 કરોડન મનરેગા કૌભાંડ મુદ્દે ચૈતર વસાવાએ આપેલા નિવેદનને લઇને સાંસદે કહ્યું કે ચૈતર વસાવા અત્યાર સુધી શું કરતા હતા. જે તે સમયે કામો ચાલતા હતા ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની ઉંઘતી હતી. 3 વર્ષ પછી આ મુદ્દાને ઉછાળો છો. જ્યાં સેટિંગ કરવાનું હોઈ ત્યાં ચૈતર વસાવા સેટિંગ કરી લે છે. ત્યારબાદ વિધાનસભામાં અને સંકલનમાં મુદ્દાઓ લાવે છે અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરે છે. ચૈતર વસાવાના દેખાડવાના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા છે.
કોંગ્રેસના લોકો કોન્ટ્રાક્ટના કામો કરવા માટે ભાજપમાં જોડાયા
સાંસદે પોતાના ભાષણમાં કહ્યું કે 'કોંગ્રેસમાંથી આવેલા લોકો ભાજપમાં આવીને માત્ર કોન્ટ્રાક્ટના કામો કરવા માટે જ આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ટપોરીઓ જેવા લોકો આપણા પર હાવિ થાય. ડેડીયાપાડામાં ભીલિસ્તાનની માંગણી કરનારા લોકો આપણા પર રાજ કરે છે. આપણા સમયમાં વિકાસના કામો થયા છે તો પણ આપણા લોકો મૌન છે. ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની આપણા ભર હાવિ થાય છે. ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લ ને ટાર્ગેટ કરીને બદનામ કરવામાં આવે છે. જ્યાં પણ ખોટું કામ થયું હોય ત્યાં તપાસ થવી જોઈએ.