વડોદરામાં આજવા ખાતે પૂર નિયંત્રણ માટે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ થોડા દિવસમાં ચાલુ થશે
Vadodara Ajwa Lake : આજવા સરોવર ખાતે પૂર શમનના ભાગરૂપે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમની હાલ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. આ કાર્ય થતાં આજવા સરોવરમાં 211 ફૂટથી વધુ પાણીનું લેવલ થાય તો પંપીંગ દ્વારા સીધું નદીમાં છોડી શકાશે. આ કામગીરીનું નિરિક્ષણ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
હાલ આજવા સરોવરનું જળ સ્તર 210.61 કૂટ છે. આજવા સરોવરનું સ્તર 211 કૂટથી વધુ ન થાય તે માટે આ સિસ્ટમ લગાવી કાર્યરત કરવાની કામગીરી અર્થે 14 પંપ સેટ મૂકવામાં આવ્યા છે. દરેક પંપની ક્ષમતા મુજબ દૈનિક 405 મિલિયન લિટર પાણી આજવા સરોવર માંથી ઓછું થઈ શકશે. એટલે કે આજવા સરોવરનું જળ સ્તર 0.15 ફૂટ રોજનું ઓછું થશે. એક સપ્તાહમાં 1 ફૂટ પાણીનું લેવલ ઘટાડી શકાશે. આજવા સરોવરમાંથી દૈનિક 145 મિલિયન લિટર પાણીનો જથ્થો ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જેમાં 45 મિલિયન લિટર પાણી પોનટુન મારફત લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 150 એમએલડીના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે તૈયાર કરવામાં આવી રહેલ નવા પોનટુન બનાવવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના વડોદરા શહેરમાં આવેલ મુખ્ય વરસાદી કાંસ રૂપારેલ, મસીયા અને ભુખીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.