Surat

સુરતમાં હવે ખાડી સફાઈની ક્રેન જ ખાડીમાં ફસાઈ : પાલિકાની કામગીરી ફરી ઉઠ્યા સવાલો

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. ઉધના ઝોન નજીક ખાડી સફાઈ દરમિયાન ભારે ક્રેન પાણીમાં ફસાઈ ગઈ હતી. વરસાદ શરૂ થયા પછી પણ સફાઈ ચાલુ રાખવી પડી હતી. આશ્ચર્યજનક રીતે, ઘટના સમયે કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતા. આનાથી કરોડો રૂપિયાની કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે અને પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં હવે ખાડી સફાઈની ક્રેન જ ખાડીમાં ફસાઈ : પાલિકાની કામગીરી ફરી ઉઠ્યા સવાલો

Surat Corporation : સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરે છે, પરંતુ આ વર્ષે ચોમાસું એક પછી એક ઘટના દ્વારા આ તમામ દાવાની પોલ ખોલી રહ્યું છે. પહેલા વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તાઓ બેસી ગયા અને હવે ખાડી સફાઈ માટે ઉતારવામાં આવેલી ભારે ક્રેન જ ખાડીમાં ફસાઈ જતાં પાલિકાની કામગીરી અને આયોજન પર ગંભીર સવાલો ઊભા થયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે ઘટના બન્યા બાદ પણ જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર ન હોવાથી પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.
આગ લાગે ત્યારે કૂવો ખોદવાની કહેવાતની જેમ સુરત પાલિકાએ ખાડી સફાઇ આગોતરી પુરી કરી ન હોવાથી હવે વરસાદ શરુ થયો છે ત્યારે પણ ખાડી સફાઈની કામગીરી કરવી પડી રહી છે. દરમિયાન આજે ઉધના ઝોન નજીક આવેલી ખાડી સફાઇ કરવામાં આવી રહી હતી. સફાઈ માટે ઉતારવામાં આવેલી ભારે ક્રેન ખાડીમાંથી કચરો અને ગાદ દૂર કરતી હતી. કામગીરી દરમિયાન અચાનક પાણીનું સ્તર વધી જતાં ક્રેન કાદવ અને પાણીમાં ફસાઈ ગઈ. પરિણામે સફાઈ કામગીરી અટકી પડી હતી.
ઘટના સમયે સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે ખાડી સફાઈની જવાબદારી સંભાળતા મહાનગરપાલિકાના કોઈપણ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર જોવા મળ્યા નહોતા. કામગીરી દરમિયાન આવી સ્થિતિ સર્જાયા પછી પણ અધિકારીઓની ગેરહાજરીને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો એવું કહે છે, જ્યારે દેખરેખ રાખવાના અધિકારીઓ જ સ્થળ પર હાજર ન હોય ત્યારે કરોડો રૂપિયાની કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે.
એક તરફ પાલિકા પ્રી-મોન્સૂન કામગીરી સફળ રહી હોવાના દાવા કરે છે અને બીજી તરફ પ્રથમ વરસાદમાં જ એક પછી એક ખામીઓ સામે આવી રહી છે. પાણી ભરાવા, રસ્તા બેસી જવા અને હવે ખાડી સફાઇ માટેની ક્રેન જ ખાડીમાં ફસાઈ જવાની ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાગળ પરના દાવા અને મેદાનની વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર છે.