Gujarat

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી કરનાર શખ્સને ૨૦ વર્ષની સખત કેદ

By GS TEAM
30 Oct 20252 mins read
સગીરા ઉપર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી કરનાર શખ્સને ૨૦ વર્ષની સખત કેદ

ત્રણ વર્ષ અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં

રૃા.૧૨ હજારનો દંડ ભરવા પણ હુકમ ઃ સગીરાને ચાર લાખ રૃપિયાનું વળતર ચૂકવવા આદેશ કરાયો

ગાંધીનગર :  ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાને લાલચ આપીને અપહરણ કરી દ્વારકા ખાતે લઈ જઈ બળાત્કાર ગુજારી ગર્ભવતી કરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરા સાથે શિવમ પાર્ક સોસાયટી નારોલ અમદાવાદ ખાતે રહેતા આરોપી હિમાંશુ વિરેન્દ્ર શર્મા દ્વારા મિત્રતા કેળવીને તેણીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને તેણીના ઘરે પહોંચીને તેની સાથે શરીર સંબંધ પણ બાંધવામાં આવ્યા હતા. આ દરમિયાન ગત ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ આરોપી શિવમ સગીરાને લલચલ ફોસલાવીને તેમનું અપરણ કરી ગયો હતો અને દ્વારકા ખાતે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો જેના પગલે આ સગીરા ગર્ભવતી પણ બની હતી જેથી આ સંદર્ભે સગીરાની માતા દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપી હિમાંશુની ધરપકડ કરીને ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ પણ કરી દેવામાં આવ્યું હતું. જે કેસ ગાંધીનગરના બીજા અધિક સેશન્સ જજ જતીન.એન ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી હિમાંશુ વિરેન્દ્ર શર્માને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી તેમજ ૧૨ હજારનો દંડ ભરવા પણ હુકમ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનારને ચાર લાખ રૃપિયા વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.