Get The App

લગ્નની લાલચ આપી ૧૩ વાર ગર્ભપાત કરાવનાર નરાધમને ૧૪ વર્ષની સખત કેદ

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
લગ્નની લાલચ આપી ૧૩ વાર ગર્ભપાત કરાવનાર નરાધમને ૧૪ વર્ષની સખત કેદ 1 - image

પરિણીત હોવા છતાં યુવાને ચાંદખેડાની યુવતીને

૧૪ વર્ષ સુધી સંબંધ રાખીને જાતિ વિષયક અપશબ્દો પણ બોલ્યા ઃ ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચાંદખેડામાં રહેતી યુવતી સાથે પરણીત યુવાન દ્વારા ૧૪ વર્ષ સુધી સંબંધ રાખીને લગ્ન કરવાની લાલચ આપી ૧૩ વાર ગર્ભપાત કરાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસ ગાંધીનગરના સાતમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપીને ૧૪ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ચાંદખેડાના ગુજરાત હાઉસિંગ બોર્ડના સુભાષ નગર ખાતે રહેતા અને મૂળ કોલવડા ગામના રહેવાસી રમેશ ઉર્ફે ટીનો ચીમનલાલ પ્રજાપતિએ વર્ષ ૨૦૦૪થી ભોગ બનનાર યુવતીને લગ્નની લાલચ આપી તેની ઈચ્છા વિરુદ્ધ અવાર-નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમયગાળા દરમિયાન યુવતી ૧૩ વખત ગર્ભવતી બની હતી પરંતુ રમેશ દ્વારા ગોળીઓ આપીને તેનું મિસકેરેજ કરાવ્યું હતું. જ્યારે યુવતી દ્વારા રમેશને તેના ઘરે લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે તેના પરિવારજનો દ્વારા પણ જાતિ વિષયક શબ્દ બોલીને અપમાનિત કરવામાં આવી હતી અને ગર્ભપાત કરાવવામાં મદદગારી કરી હતી. જેથી આ અંગે યુવતી દ્વારા ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના સાતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી.જી. રણાની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો જ્યાં સરકારી વકીલ પ્રિતેશકુમાર ડી વ્યાસ દ્વારા મેડિકલ ઓફિસરો, ગાયનેક ડોક્ટરો અને ગેસ્ટ હાઉસના મેનેજરો સહિત કુલ ૨૦ સાહેદોની તપાસ કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ ૩૫થી વધુ દસ્તાવેજી પુરાવા અને મેડિકલ સટફિકેટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આરોપી પરિણીત હોવા છતાં નાની ઉંમરની યુવતીની જિંદગી બરબાદ કરી છે. સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. જે પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપી રમેશ પ્રજાપતિને ૧૪ વર્ષની સખત કેદની સજા અને બે લાખ રૃપિયાનો દંડ તેમજ દંડની રકમમાંથી ભોગ બનનારને એક લાખ રૃપિયાનું વળતર ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.