ડિજિટલ છેતરપિંડીનો નવો પેંતરો : ગઠિયાએ Google Payનો ફેક મેસેજ બતાવી 10,000નો ચૂનો લગાવ્યો

Ahmedabad Scam News: અમદાવાદમાં સાયબર છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ગઠિયાઓ ATM કેબિનમાં જ ઊભા રહીને લોકોને છેતરી રહ્યા છે. વટવા વિસ્તારમાં આવેલા એક ATM કેબિનમાં રવિવારે સવારે Google Payના નકલી કન્ફર્મેશન મેસેજથી 35 વર્ષીય ફેક્ટરી કર્મચારી સાથે રૂ. 10,000ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
GIDC ATMમાં બની ઘટના
મળતી માહિતી મુજબ, વટવા ખાતે કાચની બોટલ બનાવતી કંપનીમાં કામ કરતાં 35 વર્ષીય ગુલાબચંદ અવધૂપ્રસાદ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. રવિવારે (23 નવેમ્બર) સવારે 10:15 વાગ્યે, GIDC વટવા ફેઝ-1 ખાતે આવેલા SBI ATM કેબિનમાં ગુલાબચંદ પોતાની પત્ની નીતુ દેવીના SBI ખાતામાં રૂ. 15,000 જમા કરાવ્યા અને પોતાના PNB ખાતામાં રૂ. 10,000 જમા કરાવ્યા હતા. તેઓ ATMમાં હતા એ દરમિયાન જ 35થી 40 વર્ષની વયનો એક અજાણ્યો શખસ તેમની પાસે આવ્યો અને તેઓ ગૂગલ પેનો ઉપયોગ કરે છે તેવો પ્રશ્ન પૂછ્યો. ગુલાબચંદે હા પાડતાં શખસે દાવો કર્યો કે, ATM મશીનમાંથી રોકડ નીકળતી નથી. તેથી, તેને 10,000 રૂપિયા રોકડ માંગ્યા અને ગૂગલ પે દ્વારા રકમ ટ્રાન્સફર કરવાનું જણાવ્યું.
10,000 રૂપિયાની છેતરપિંડી
ત્યારબાદ ગુલાબચંદે શખસની મદદ કરવાની ઇચ્છા સાથે પોતાનો ગૂગલ પે નંબર આપ્યો. જોકે, શખસે પોતાના મોબાઇલમાં 10,000 રૂપિયા ટ્રાન્સફર થયાનો એક મેસેજ બતાવ્યો જે નકલી હતો. પરંતુ, ગુલાબચંદે તેને સાચો માનીને 10,000 રૂપિયા રોકડ આપી દીધા હતા. બાદમાં જ્યાારે તેમણે ઘરે જઈને ફોન ચેક કર્યો તો તેમનામાં કોઈ ગૂગલ પે ટ્રાન્ઝેક્શન મળ્યું નહતું. પરંતુ, એક લિંકની નોટિફિકેશન મળી હતી. બાદમાં જ્યારે ATM સિક્યોરિટી ગાર્ડ પાસે જઈને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, લિંક ફન્ડ ટ્રાન્સફર સંબંધિત નહતી. પરંતુ, છેતરપિંડી એપ્સ સાથે જોડાયેલી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટના વિશે જાણીને ગુલાબચંદને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ અને બાદમાં તેમણે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. વટવા GIDC પોલીસે છેતરપિંડી સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને ATM અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ દ્વારા આરોપીની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

