બાપુનગરથી ગેરકાયદે હથિયારો સહિત એક શખસની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે રૂ.16,000નો મુદ્દામાલ કર્યો જપ્ત

Ahmedabad Crime: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બુધવારે (26 નવેમ્બર) બાપુનગર વિસ્તારમાંથી એક 42 વર્ષીય શખસની ગેરકાયદે હથિયારો સાથે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી લાઇસન્સ વિનાની બે દેશી પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસો મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા હથિયારોની કિંમત આશરે રૂ. 16,000 આંકવામાં આવી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, સિકંદર કરીમ ઉર્ફે ભુરજી ગીચ વસ્તીવાળા આ વિસ્તારમાંથી ગેરકાયદે હથિયારો સાથે પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસ આરોપી પર નજર રાખી રહી હતી. આશરે 4:15 વાગ્યાની આસપાસ સિકંદર રહેમાની મસ્જિદ અને હસન દરગાહ નજીક મણિલાલની ચાલી પાસે વૉચ ગોઠવી દીધી હતી. પોલીસે લાલ કપડાની બેગ સાથે કાળા ફૂલ સ્લીવનો શર્ટ અને વ્હાઇટ ટ્રાઉઝર પહેરેલા વ્યક્તિની ધરપકડ કરી. જેમાં બે દેશી પિસ્તોલ સહિત ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. એક પિસ્તોલ તેની સાથેની બેગમાં હતી અને બીજી પિસ્તોલ આરોપીએ કમર પર લગાવેલી હતી. પોલીસે તમામ હથિયારો સહિત આરોપીને ઝડપી લીધો છે.

જપ્ત કરાયેલા હથિયારોની વિગતઃ
- પહેલી પિસ્તોલ: 22-સેમીની બેરલ સાથે લાકડાની ગ્રિપ, કિંમત રૂ. 5,000.
- બીજી પિસ્તોલ: ચાંદીના રંગની, હેન્ડલ પર કપડું વીંટાળેલું, 31-સેમીની બેરલ, કિંમત રૂ. 10,000.
- કારતૂસ: જપ્ત કરાયેલા ચાર જીવતા કારતૂસમાંથી એક પર 'KF 8 MM' અને બાકીના ત્રણ પર 'Chetak–12' માર્કિંગ હતું. દરેકની કિંમત 500 રૂપિયા આંકવામાં આવી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન સિકંદરે કથિત રીતે કબૂલ્યું હતું કે, આ પિસ્તોલ અને કારતૂસ તેણે ઉત્તર પ્રદેશના એક શખસ પાસેથી ખરીદ્યા હતા. આ હથિયારોનો ઉપયોગ સંભવિત ગુનાઈત પ્રવૃત્તિમાં થઈ શકવાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ, આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાંથી કોર્ટે 27 નવેમ્બર 2025 સુધીના બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે યુપીના હથિયાર સપ્લાયરને શોધી કાઢવા અને જપ્ત કરાયેલા હથિયારો અગાઉના કોઈ ગુનાઓ સાથે સંકળાયેલા છે કે કેમ, તે અંગે તપાસ હાથ ધરી છે.

