Transfer of IAS officers in Gujarat: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે(25 માર્ચ) એક મહત્ત્વનું જાહેરનામું બહાર પાડીને રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે. આ ફેરફારમાં જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં નવા કલેક્ટરની વરણી કરવામાં આવી છે. આ આદેશો રાજ્યપાલના હુકમથી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે.
• પી. બી. પંડ્યા (IAS 2013): અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે કાર્યરત પી. બી. પંડ્યાની બદલી જામનગરના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. તેઓ 31 માર્ચ 2026ના રોજ નિવૃત્ત થતા કે. બી. ઠક્કરનું સ્થાન લેશે.
• જી. એચ. સોલંકી (IAS 2014): નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર જી. એચ. સોલંકીને હવે સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી કે. એસ. યાજ્ઞિક આ પદના વધારાના ચાર્જમાંથી મુક્ત થશે.
• રવીન્દ્ર જ્ઞાનેશ્વર ખટાલે (IAS 2016): મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર રવીન્દ્ર ખટાલેને ગાંધીનગરના કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ જે. એન. વાઘેલા પાસેથી ગાંધીનગર કલેક્ટરનો વધારાનો ચાર્જ સંભાળશે.



