Get The App

વલસાડમાં DRIની મોટી કાર્યવાહીઃ ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
વલસાડમાં DRIની મોટી કાર્યવાહીઃ ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું 1 - image


Gujarat Crime: વલસાડ જિલ્લાના અટગામ વિસ્તારમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DRI એ અહીં ગેરકાયદે રીતે ચાલતી એક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પર્દાફાશ કરીને અંદાજિત રૂ. 20 કરોડથી વધુ કિંમતનો 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો તૈયાર જથ્થો જપ્ત કર્યો છે.

ચાર આરોપીઓની ધરપકડ

DRIએ આ ઓપરેશનમાં ફેક્ટરીના બે માલિક અને બે વર્કર્સ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ફેક્ટરીના માલિકો તરીકે ચંદ્રકાંત કેછડા અને અશોક મુળજી પીઠારીયાની ઓળખ થઈ છે. DRIએ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક માટે આણંદ અને સોજીત્રાના ધારાસભ્યોનું લોબિંગ

એક વર્ષથી ચાલતી હતી ગેરકાયદેસર ફેક્ટરી

માહિતી મુજબ, આ ફેક્ટરી વલસાડના અટગામ વિસ્તારમાં લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી ચાલતી હતી. દરોડા દરમિયાન ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસેથી મશીનરી, કેમિકલ્સ અને અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જેમાં 9.55 કિલો ફિનિશ્ડ અલ્પ્રાઝોલમ અને 104.15 કિલો સેમી-ફિનિશ્ડ ફોર્મમાં જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય 431 કિલો કાચો માલ, જેમાં p-Nitrochlorobenzene, Phosphorous Pentasulfide, Ethyl Acetate, અને Hydrochloric Acid જેવા મુખ્ય રસાયણોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય રિએક્ટર, સેન્ટ્રીફ્યુજ, રેફ્રિજરેશન યુનિટ અને હીટિંગ મેન્ટલ સહિત ઔદ્યોગિક સ્તરના પ્રોસેસિંગ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

અન્ય રાજ્યોમાં સપ્લાય થવાની શંકા

DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં તૈયાર થતા પ્રવાહી ડ્રગ્સને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય કરવામાં આવતું હોવાની આશંકા છે. આરોપીઓ આ પ્રવાહી ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી લાવતા હતા, કેવી રીતે બનાવતા હતા અને ક્યાં વેચાણ કરતા હતા તેની વિગતો મેળવવા માટે તેમને 3 દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ મહુવા પંથકના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં વિલંબ કરાતા રોષ

તેલંગાણામાં 'તાડી'માં મિક્સ કરવાની યોજના

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ મેન્યુફેક્ચર થયેલું અલ્પ્રાઝોલમ તેલંગાણામાં સપ્લાય થવાનું હતું, જ્યાં તેનો ઉપયોગ સંભવત: તાડીમાં ભેળવવા માટે થવાનો હતો. અગાઉ પણ, DRI એ ઓગસ્ટ મહિનામાં આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતપુરમમાં પણ આવી જ એક અલ્પ્રાઝોલમ ઉત્પાદન યુનિટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે જપ્ત કરાયેલ 119.4 કિલો અલ્પ્રાઝોલમ પણ આ જ હેતુસર તેલંગાણા મોકલવામાં આવવાનું હતું.

આ સફળ કાર્યવાહીથી ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મળી છે. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને વેગ આપશે.

Tags :