Get The App

આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક માટે આણંદ અને સોજીત્રાના ધારાસભ્યોનું લોબિંગ

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક માટે આણંદ અને સોજીત્રાના ધારાસભ્યોનું લોબિંગ 1 - image


- જૂના કાર્યકરોને દાવેદારી રજૂ કરવા જાણ ના કરાઈ : પાયાના કાર્યકરોની બાદબાકી

- મંત્રીમંડળના વિસ્તરણમાં પડતા મૂકાતા સંગઠનમાં મહામંત્રીના પદ માટે યોગેશ પટેલ અને વિપુલ પટેલે મળતિયાની પેનલ પ્રદેશ નિરીક્ષકોને આપતા કાર્યકરોમાં અસંતોષ

આણંદ : આણંદ જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં કાર્યકરોને દાવેદારી માટે સેન્સ પ્રક્રિયામાં બોલાવ્યા વિના આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે મળતિયાની પેનલ પ્રદેશ નિરીક્ષકોને આપતા કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જૂના કાર્યકરોને દાવેદારી રજૂ કરવા જાણ નહીં કરી પાયાના કાર્યકરોની બાદબાકી કરી દેવાઈ હોવાનું પણ કાર્યકરો કહી રહ્યા છે. 

આણંદ જિલ્લા ભાજપના સંગઠનમાં ત્રણ મહામંત્રી, ઉપપ્રમુખો, મંત્રીઓ અને કોષાધ્યક્ષના હોદ્દા માટે પ્રદેશકક્ષાએથી સેન્સ લેવા માટે સૂચના અપાઈ હતી. આણંદ જિલ્લા ભાજપના નાવલી પાસેના કમલમ્ કાર્યાલયમાં પ્રદેશમાંથી નિમાયેલા નિરિક્ષક હેમાલીબેન, સુરત મનપાના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ સેન્સ લેવા માટે આવ્યા હતા. જિલ્લા ભરના કોઈપણ કાર્યકરોને દાવેદારી રજૂ કરવા માટે સૂચના કે સંદેશો અપાયો ન હતો. ત્યારે આણંદ જિલ્લા ભાજપના સંગઠન દ્વારા ઉમેદવારોને દાવેદારી અને બાયોડેટા આપવા સંદર્ભે કુળડીમાં ગોળ ભાંગ્યો હોય તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. 

આણંદ જિલ્લા ભાજપના જૂના કાર્યકરોએ બંધ બારણે થયેલી સેન્સ પ્રક્રિયા અંગે જણાવ્યું હતું કે, સંગઠનમાં જગ્યા મેળવવા ઈચ્છુક જૂના કાર્યકરોની બાદબાકી કરાઈ છે. પ્રદેશની સૂચના અનુસાર કોઈપણ કાર્યકરને દાવેદારી રજૂ કરવાની તક આપવામાં આવી નથી. સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોએ આવનારી ચૂંટણીમાં તેમના ઈશારે કામ કરનારા પોતાના મનપસંદ કાર્યકરોની પેનલ બનાવીને પ્રદેશ નિરિક્ષકોને થોપી દીધી છે. ત્યારે પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં જૂના અને સક્રિય કાર્યકરોની નિષ્ક્રિયતાથી પરિણામો ઉપર અસરો પડશે તેવું દાવેદારોએ આક્રોશ ઠાલવ્યો હતો.

રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણમાં આણંદ જિલ્લાના આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલને છેલ્લી ઘડીએ પડતા મૂકાયા હતા. જેથી બંને ધારાસભ્યો પોતાનું વર્ચસ્વ અકબંધ રહે તે માટે જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રીના અગત્યના પદ માટે પોતાના સમર્થકોના નામ સૂચવીને ફરીથી આણંદ જિલ્લા ભાજપમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું કાર્યકરો જણાવી રહ્યા છે. 

કરમસદ આણંદ મહાનગરપાલિકામાં જૂથબંધી ભાજપને નુકસાન કરશે 

આણંદ જિલ્લા સંગઠન પર્વમાં આણંદ શહેરમાંથી મહામંત્રીપદની અગત્યની નિમણૂક નહીં થાય તો હાલ અંદરખાને દેખાતી જૂથબંધી સપાટી ઉપર આવે તેમ છે. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલનું જૂથ આણંદના જ જુના ધારાસભ્યો અને પાલિકાના પૂર્વ પ્રમુખના જૂથ સામે હાલ બાથ ભરી રહ્યું છે. બંને જૂથો વચ્ચે મહાપાલિકાની ટિકિટ વહેંચણીમાં હાથ ઊંચો રહે તે માટે સંગઠન મહામંત્રીનો હોદ્દો મેળવવા પ્રદેશકક્ષા સુધીનું હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે.

ચાલુ મહામંત્રીઓની પણ સંગઠનમાંથી બાદબાકી થાય તેવી સંભાવના

આણંદ જિલ્લા ભાજપના હાલના મહામંત્રીઓ જગત પટેલ, સુનિલ શાહ તથા રણજીતસિંહ પરમારને ફરીથી રિપીટ નહીં કરાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્રણ વર્ષનું આણંદ જિલ્લામાં મહામંત્રીઓની કામગીરી સરેરાશ અને નિષ્ફળ રહી હોવાનું કાર્યકરો જણાવી રહ્યા છે. ફરીથી મહામંત્રી ના બનાવવામાં આવે તેવી લાગણીઓ અંદરખાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી દીધી હોવાની પણ ચર્ચા છે. 

જિલ્લામાંથી બે મંત્રીઓની રાજ્યમાં નિમણૂકથી સંગઠન શોભાના ગાંઠિયા સમાન

આણંદ જિલ્લા ભાજપનું સંગઠન નવા પર્વમાં માત્ર શોભાના ગાંઠીયા જેવું બની જશે એવું જણાવતા એક પૂર્વ પ્રમુખે કહ્યું હતું કે, આણંદ જિલ્લામાં હવે કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના મંત્રીઓ હોવાથી કાર્યકરો પણ સંગઠન પાસે જવાને બદલે મંત્રીઓની પાસે સરળતાથી જ જઈ શકશે. જેથી સંગઠન માત્ર કાગળ ઉપર અને બિન અસરકારક બની જશે. આગામી પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જિલ્લાના બે મંત્રીઓનો જ હાથ ઉમેદવારોની પસંદગીમાં ઊંચો રહેશે. જેથી સંગઠનનું અસ્તિત્વ માત્ર નામનું જ બની જશે તેવું જિલ્લાના કાર્યકરો માની રહ્યા છે.

Tags :