મહુવા પંથકના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં વિલંબ કરાતા રોષ

- રાહત પેકેજ ચૂકવવા લોકમાંગ
- બોરડી, કાળેલા અને કોંજળી સહિતના ગામોમાં પાકને 60 થી 90 ટકા નુકશાન, ઘાસચારો સંપુર્ણપણે નાશ પામતા માલધારીઓ ચિંતીત
મહુવા તાલુકાના બોરડી, કાળેલા, સેંદરડા, કોંજળી, રાજાવદર અને મોટા ખુંટવડા સહિતના ગામોમાં ગત પખવાડીયામાં એકાએક સરેરાશ ૧૧ ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોએ દિન રાત ભારે સંઘર્ષ કરીને તૈયાર કરેલા અમૂલ્ય પાક વરસાદના પાણીને કારણે અસ્ત-વ્યસ્ત થઈ જતા ૬૦ થી ૯૦ ટકા નુકશાન થયુ હતુ. એટલુ જ નહિ માલઢોર માટે સંગ્રહ કરવામાં આવેલો ઘાસચારો સંપુર્ણપણે નાશ પામેલ છે.આ અંગે સ્થાનિક તલાટી કમ મંત્રીઓ દ્વારા સર્વે કરાયા બાદ હજુ સુધી વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે.આ ગંભીર બાબતે અસરગ્રસ્ત ખેડૂતો, માલધારીઓની આક્રોશભેર રજુઆતને લઈને મહુવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને બોરડી મતક્ષેત્રના સદસ્ય ગીજુભાઈ વી.બળદાણીયા તેમજ બોરડી ગ્રામ પંચાયતના સરપંચ રમીલાબેન વગેરે યુવા કોળી એકતા સંગઠન, ગુજરાતના અગ્રણી અશોકભાઈ બારૈયા વગેરે દ્વારા રાજયના કૃષિમંત્રીને આવેદનપત્ર પાઠવી તાલુકાના ઉપરોકત ગામોના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજ ચૂકવવામાં આવે તેવી આવેદનપત્ર પાઠવી માંગ કરાઈ છે.

