For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહાત્મા ગાંધીજીએ સ્થાપેલો મજૂર મહાજન સંઘ ભાજપમાં જોડાયો, શું હવે તેની ગરિમા જળવાશે કે...

Updated: May 4th, 2024

મહાત્મા ગાંધીજીએ સ્થાપેલો મજૂર મહાજન સંઘ ભાજપમાં જોડાયો, શું હવે તેની ગરિમા જળવાશે કે...

Majoor Mahajan Sangh: ભાજપ સાથે નાતરુ કર્યા પછી મજૂર મહાજનની ગરિમા જળવાઈ રહેશે કે કેમ તેવો સવાલ કરવામાં આવી રહ્યો છે. જો કે છેલ્લા થોડા દસકાઓથી મજૂર મહાજનની ગરિમા અળપાઈ રહી છે. પરંતું મહાત્મા ગાંધીજીની સૂચના અને સલાહ હેઠળ અનસૂયાબેન સારાભાઈ અને શંકરલાલ બેન્કરે સ્થાપેલા મજૂર મહાજન સંઘની ભૂતકાળ ખરેખર ભવ્યા હતો અને આજેય મજૂર મહાજને કામદારોના હિતમાં લીધેલા પગલાં અને લેવડાવેલા નિર્ણયોને સહુ યાદ કરી રહ્યા છે.

ચોથી ડિસેમ્બર 1917ના સ્થપાયેલા મજૂર મહાજન સંઘ વતીથી ગુલઝારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈએ 1918થી 1942ના ગાળામાં મજૂરીને દારૃના દૂષણથી બચાવવા માટે પિકેટિંગ કર્યું હતું. આ રીતે તેમણે મજૂરોની આવક તેમના પરિવારના સભ્યોના ઉત્થાન માટે જ ખર્ચાય તે માટેના પ્રયાસો કર્યા હતા. 

બીજી તરફ દારૃના રવાડે ચઢી જતાં કામદારોને પઠાણી વ્યાજની ચુંગાલમાંથી બચાવવાનું કામ તેમણે જ કર્યું હતું. દારૃના રવાડે ચઢ્યા પછી પૈસાની તાણ થાય ત્યારે પઠાણો પાસે પૈસા ઊછીના લેતા કામદારોને પગાર મળે તે દિવસે મિલોના ઝાંપે પઠાણો ઊભા રહેતા હતા. આ પઠાણોને મિલને ઝાંપે ઊભા રહેવાનું મજૂર મહાજને બંધ કરાવ્યું હતું. 

તેની સાથે જ કામદારો પઠાણી વ્યાજના ચક્કરમાં ન ફસાય તે માટે 1949માં મજૂર સહકારી બેન્કની સ્થાપના પણ કરી હતી. આ બેન્કમાંથી માત્ર ત્રણ ટકાના વ્યાજદરે મજૂરોને લોન આપવામાં આવતી હતી.

લે-ઓફની વ્યવસ્થા લાવી 50 ટકા પગાર અપાવ્યો

કામદારો માટે મજૂર મહાજનના ખંડુભાઈ દેસાઈ અને શ્યામાપ્રસાદ વસાવડાના પ્રયાસોથી 1939માં મોંઘવારી ભથ્થા માટેનો પહેલો એવોર્ડ (ચૂકાદો) મેળવવામાં આવ્યા હતો. આ સાથે જ મજૂરોને રૂ. 1.39નું મોંઘવારી ભથ્થું મળતું થયું હતું. મજૂર મહાજને ક્યારેય મજૂરોના હિત સાથે સમાધાન કર્યું નહોતું. 

1953માં કોલસાની અછતને કારણે કોલસાની અછત થતાં મિલ માલિકોએ મજૂરોને છૂટા કરી પગાર આપવાનું બંધ કરી દીધું ત્યારે મજૂરાનો ઘરના રસોડા બંધ ન થાય તે માટે મજૂર મહાજને લે ઓફની વ્યવસ્થા દાખલ કરાવી હતી. માત્ર બાર કલાકમાં લે-ઓફનો કાયદો લાવીને મજૂરોને વીજળીની અછતના ગાળામાં ઘરે મોકલી દેવામાં આવે તો પણ તેને 50 ટકા પગાર અપાવવાની વ્યવસ્થા દાખલ કરાવી હતી. 

1954માં પહેલીવાર મજૂરોને ચાર ટકા બોનસ અપાવવાની શરૃઆત મજૂર મહાજેનના શ્યામાપ્રસાદ વસાવડાએ કરાવી હતી. ત્યારબાદ શ્રમ મંત્રી શ્રી. ખાડિલકરના સહયોગથી 1964માં બોનસ એક્ટ લાવ્યા હતા. ત્યારથી બોનસની ટકાવારી વધારીને 8.33 ટકા કરી દેવામાં આવી હતી. 

બોનસની ગણતરીક રવામાં બેઝિક પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થાની આવક પણ ગણવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. 

બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એક્ટ લાવવામાં પણ સરદાર પટેલના સાથી અને ગાંધીવાદીસોલીસિટર જનરલ શાંતિલાલશાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

આ કાયદો આવતા મિલમાલિકો અને કામદાર સંઘો વચ્ચે જે કોઈપણ કરાર થાય તે બંને પક્ષને માટે બંધનકર્તા બનતો થયો હતો. આ કાયદાના માધ્યમથી પગારના દર અંગેની શરતો પણ આવી હતી. 1968માં મિલો બંધ પડવા માંડી ત્યારે શ્યાપા પ્રસાદ વસાવડાના વડપણ હેઠળ એનટીસીની સ્થાપના કરવામાં આવી હતી. એનટીસીની સ્થાપના થયા પછી ભારતની 110 મિલો પાછી ધમધમતી થઈ હતી અને 1.40 લાખ કામદારોને રોજી મળી હતી. એનટીસી બહુ જ ટૂંકા ગાળામાં નફો કરતી સંસ્થા બની ગઈ હતી.

મહાત્મા ગાંધીજીએ સ્થાપેલો મજૂર મહાજન સંઘ ભાજપમાં જોડાયો

ગુજરાતની બંધ મિલોના કામદારોના બાકી વળતર સહિતની સમસ્યાઓનો સત્વર ઉકેલ આવશે તેવી આશા સાથે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા મજૂર મહાજન સંઘ આજે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. 

અમદાવાદ શહેર ભાજપના ઉપાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ અને ધારાસભ્ય અમિત શાહની ઉપસ્થિતિમાં આજે તેઓ કમલમ જઈને ભાજપમાં જોડાઈ ગયા હતા. મહાત્મા ગાંધીએ 107 વર્ષ પહેલા સ્થાપેલી સંસ્થા મજૂર મહાજન સંઘના હોદ્દેદારો, સંયુક્ત કારોબારીના સભ્યો, ટ્રસ્ટી મંડળના સભ્યો તથા બંધ મિલોના આગોવાનો અને કામદારો પણ આ પ્રસંગે કમલમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મજૂર મહાજન સંઘના પ્રમુખ રમણભાઈ પટેલ અને પ્રધાનમંત્રી અમર બારોટ, મંત્રી મહેન્દ્ર દેસાઈએ આજે ભાજપમાં જોડાવા અંગેનો ઠરાવ કરીને કમલમમાં ભાજપના નેતાઓને સુપરત કર્યો હતો. મજૂર મહાજન સંઘના પ્રધાનમંત્રી અમર બારોટે જણાવ્યું હતું કે ગુજરાતના ગામડે ગામડે મળીને 1000 જેટલી દૂધ મંડળીઓના કર્મચારીઓ પણ મજૂર મહાજન સંઘના સભ્યો ઉપરાંત ગુજરાત સફાઈ કામદાર સંઘ અને કામદાર સહકારી મંડળીના સભ્યો પણ ભાજપમાં જોડાયા છે.

આ નિર્ણય અંગે વાતચીત કરતાં અમર બારોટે જણાવ્યું હતું કે બંધ મિલોના પેન્ડિંગ કેસોના નિકાલમાં સરકાર તરફથી સહકાર મળશે તેવી આશા સાથે મજૂર મહાજન સંઘ ભાજપમાં જોડાયો છે. ગુજરાતમાં કેલિકો મિલ, વિજય મિલ, રાયપુર મિલ સહિતની 10 જેટલી મિલોના કામદારોના બાકી લેવા મળી જાય તેમાં સરકાર તરફથી સહકાર મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

હાઈકોર્ટમાં તેમના પેન્ડિંગ કેસોનો નિકાલ લાવવામાં સરકાર તરફથી તેમને સહયોગ આપવામાં આવશે તેવી અપેક્ષા સાથે પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મજૂર મહાજન સંઘના 1500 સભ્યો છે. પરંતુ બંધ મિલના 50,000 જેટલા કામદારોનું સમર્થન ભાજપને મળશે.

મહેસાણા જિલ્લાની 1100 જેટલી દૂધ મંડળીઓ, કલોલની મજૂર સંસ્થાઓ અને સિદ્ધપુરની સંસ્થાઓના મળીને અંદાજે 2 લાખ કામદારો ભાજપને સમર્થન આપશે. બંધ મિલોના કામદાર સંઘ તથા લઘુ ઉદ્યોગના કામદારોના યુનિયનો પણ ભાજપને સમર્થન આપવા તત્પર બન્યા છે.

Article Content Image

Gujarat