મહીસાગરમાં મોડી રાત્રે દીવાલ પડતા પરિવાર કાટમાળમાં દટાયોઃ 1 નું મોત, 3 ઈજાગ્રસ્ત
Mahisagar Wall Collapse: ગુજરાતના મહીસાગરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક મકાનની દીવાલ ધરાશાયી થતા ચાર લોકો કાટમાળમાં દટાયા હતા, જેમાં એકનું મોત નિપજ્યું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું અને મૃતક તેમજ ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
આ પણ વાંચોઃ ગોધરામાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન લીક, ભ્રષ્ટાચારની આશંકા
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, મંગળવારે (9 સપ્ટેમ્બર) મોડી રાત્રે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. સંતરામપુરના ગલા તલાવડી ગામે કાચા મકાનની દીવાલ પડી ગઈ હતી. જ્યારે દીવાલ પડી ત્યારે ઘરમાં પરિવારના ચાર સભ્યો સૂતા હતા અને એકાએક દીવાલ પડતા તેઓ કાટમાળમાં દબાઇ ગયા હતા. જેમાંથી 1નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.
આ પણ વાંચોઃ સૌથી વધુ લોકો માનસિક બીમારીને કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવતા હોવાનો ખુલાસો
ફાયર વિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. ફાયર વિભાગે કાટમાળ દૂર કર્યો અને નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા. જોકે, બહાર કાઢવામાં આવે તે પહેલાં જ પ્રવીણભાઈ નામના વ્યક્તિનું મોત થઈ ચુક્યું હતું. આ સિવાય અન્ય ત્રણ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા, જેમાંથી એકની સ્થિતિ ખૂબ જ ગંભીર જણાવવામાં આવી રહી છે.